Home Gujarat With A Decision Of The Chief Minister Of Gujarat Many People Will Get A House

મુખ્યમંત્રીના એક નિર્ણયથી અનેક લોકોને મળશે ઘરનું ઘર : જાણો ગુજરાતના કયા-કયા જિલ્લામાં કોને-કોને મળશે વસાહતોનો લાભ

મુખ્યમંત્રીના એક નિર્ણયથી અનેક લોકોને મળશે ઘરનું ઘર
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 11:00 AM IST

સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવાના નિયમોને આખરી ઓપ અપાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા વસાહતોને ગ્રામ પંચાયતો સાથે ભેળવવાની કાર્ય પદ્ધતિને મંજૂરી આપી
રાજ્યના ૮ જિલ્લાના ૨૬ તાલુકાની ૧૨૭ નર્મદા વસાહતોને લાભ મળશે
વસાહતોમાં પીવાના પાણી-રોડ રસ્તા-સ્ટ્રીટ લાઈટ-વીજળી બીલ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તથા વસાહતોની જાહેર સુવિધાઓની મરામત અને નિભાવણી સંબંધીત ગ્રામ પંચાયતો કરશે
રાજ્યના 8 જિલ્લાના 26 તાલુકાની 127 નર્મદા વસાહતોને લાભ મળશે


Gujarat News: રાજ્ય સરકારે સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવા, હસ્તાંતરણ કરવા માટેના નિયમોને આખરી ઓપ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં નર્મદા વસાહતોને ગ્રામ પંચાયતો સાથે ભેળવવાની કાર્ય પદ્ધતિને મંજૂરી આપી છે. તદઅનુસાર, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, ભરૂચ, ખેડા, પંચમહાલ, નર્મદા અને છોટાઉદેપુર તથા મહિસાગર જિલ્લાના મળીને કુલ ૨૬ તાલુકાની ૧૨૭ જેટલી નર્મદા વસાહતોનો નજીકના સંબંધીત ગામ સાથે ભળવાનો માર્ગ મોકળો થયો છે.

મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે રજૂ કરેલી આ કાર્ય પદ્ધતિમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, આવી વસાહતોમાં ઉપલબ્ધ નાગરિક સુવિધાઓ, પીવાના પાણીના સ્ત્રોત, વસાહતને મુખ્ય માર્ગ સાથે જોડતો એપ્રોચ રોડ અને આંતરીક રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ, વરસાદી પાણીના નિકાલ માટેની સુવિધાઓ કાર્યરત રાખવા અને તેની સમયાંતરે મરામત તથા નિભાવણી અંગેની કામગીરી સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા કરવાની રહેશે. હસ્તાંતરણની આ કાર્ય પદ્ધતિ રાજ્ય સરકાર દ્વારા નિયત થવાથી હવે આશરે આગામી બે મહિનામાં આ કામગીરી પુર્ણ કરાશે.

એટલું જ નહિ, આ હસ્તાંતરણ પ્રક્રિયાથી બધા જ નિવાસી-વસાહતી કુટુંબોને ગ્રામ પંચાયત દ્વારા અપાતી સરકારની સર્વે યોજનાઓનો નિયમોનુસાર સરળતાથી લાભ મળી શકશે અને વસાહતીઓ હવે ગ્રામ પંચાયતના સક્રિય નાગરિક બનતા તેમના જીવનઘોરણમાં ઘણો સુઘારો આવશે અને તેઓ આવશ્યક સુવિઘાઓ સરળતાથી મેળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય જે બાબતો આવી નર્મદા વસાહતોને નજીકની ગ્રામ પંચાયત સાથે ભેળવવા માટે સુનિશ્ચિત કરી છે તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, વસાહતોના વણ ફાળવાયેલા પ્લોટની માલિકી સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીની જ રહેશે.

નર્મદા વસાહતોને સ્પર્શતું તમામ રેકોર્ડ એજન્સીએ ગ્રામ પંચાયતને સોંપી દેવાનું રહેશે તેમજ વસાહતના તમામ રહેવાસીઓના મતાધિકાર અને પ્રતિનિધિત્વને લગતી બધી બાબતો સરકારની પ્રવર્તમાન જોગવાઈ અનુસાર ગ્રામ પંચાયતે સુનિશ્ચિત કરવાની તથા નર્મદા વસાહતોમાં આવેલા શાળા, દવાખાના, આંગણવાડી જેવી સુવિધાઓ સંબંધિત વિભાગને સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીએ હસ્તાંતરણ કરવાની રહેશે. વસાહતોમાં આવેલા કોમન પ્લોટ અને ખુલ્લી જગ્યાઓના વિસ્તારને વસાહતીઓની સાર્વજનિક સુવિધાઓના વિકાસ માટે સંબંધિત ગ્રામ પંચાયત ઉપયોગમાં લઈ શકશે.

નર્મદા વસાહતો હેઠળની મિલકતોની આકારણી કરીને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ અને તે અન્વયેના નિયમોથી નિયત કરવામાં આવેલા કર અને વેરાની વસુલાત જે તે ગ્રામ પંચાયત કરશે. આ ઉપરાંત હસ્તાંતરણની પ્રક્રિયા થઈ ગયા બાદ વસાહત સંબંધિત કોઈ પણ નાગરિક સુવિધા અંગેની ફરિયાદોના નિવારણ માટે જે તે ગ્રામ પંચાયત જવાબદાર રહેશે.

રાજ્ય સરકારે એવું પણ ઠરાવ્યું છે કે, આ નિયમો સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી હસ્તકની બાકી રહેલી નર્મદા વસાહતોને ભવિષ્યમાં નજીકની સંબંધિત ગ્રામ પંચાયતોમાં સમાવેશ કરવામાં આવે ત્યારે પણ યથાવત લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં નિયત થયેલ આ કાર્ય પદ્ધતિ અંગેના વિધિવત ઠરાવો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે બહાર પાડ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now