ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર નવી અટકળોએ જોર પકડ્યું છે. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયા અને ભાજપના કદાવર પાટીદાર નેતા જયેશ રાદડિયા ગળે મળતા જોવા મળ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
ચર્ચા કરી ગળે મળ્યા અને પછી...
માહિતી મુજબ વિધાનસભા દરમિયાન બંને નેતાઓ વચ્ચે સૌપ્રથમ ચર્ચા થઈ હતી. રાદડિયા અને ઇટાલિયાએ હાથમાં હાથ પરોવીને લાંબી વાતચીત કરી હતી. ત્યારબાદ બંને ગળે મળ્યા અને પછી અલગ થયા. આ દ્રશ્યો સામે આવતા રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર
આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર શરૂ કરી દીધો છે. કેટલાક લોકો માનતા હોય છે કે જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં તેઓ મનોમન નારાજ છે. બીજી તરફ, રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા પર કરેલા આક્ષેપો બાદ પણ રાજકીય ચર્ચાઓ તેજ બની હતી.
કોઈ મોટા રાજકીય ફેરફારનો સંકેત?
જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયાની આ મુલાકાતને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક રાજકીય વિશ્લેષકો કહે છે કે ગોપાલ ઇટાલિયા ભાજપમાં જોડાઈ શકે છે, જ્યારે અન્ય લોકો માને છે કે જયેશ રાદડિયા આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે. જોકે, બંને પક્ષ તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન સામે આવ્યું નથી.હાલ માટે આ મુલાકાત માત્ર સૌજન્યભેટ હતી કે કોઈ મોટા રાજકીય ફેરફારનો સંકેત, તે અંગે સ્પષ્ટતા નથી. પરંતુ આ ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાગરમી અને અટકળો ચોક્કસપણે વધી ગઈ છે.




















