Home Gujarat Wife Beats Husband In Surat

ઘોર ઘળિયુગ! સુરતમાં પત્નીએ પતિનું કાઢ્યું કાસળ : છાતી પર બેસી પતિનું ગળું દબાવ્યું, ભાઈને શંકા ગઈ અને...

ઘોર ઘળિયુગ! સુરતમાં પત્નીએ પતિનું કાઢ્યું કાસળ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 12:39 PM IST

સુરતના લિંબાયત વિસ્તારમાં પતિ–પત્ની વચ્ચેના ઘરેલુ વિવાદે હચમચાવી દે તેવી હત્યાની ઘટનાનો ખુલાસો થયો છે, જેમાં પત્નીએ જ પોતાના પતિની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. શરૂઆતમાં આ ઘટનાને કુદરતી મૃત્યુ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મૃતકના ભાઈને શંકા જતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

પત્નીએ પતિની હત્યાનો પ્લાન બનાવ્યો!

પોલીસ તપાસ મુજબ મૃતક 39 વર્ષીય હૈદર અલી બાકર અલી, લિંબાયતના નવાનગર વિસ્તારના ગલી નંબર 3માં આવેલા પ્લોટ નંબર 170માં રહેતો હતો. તે મુંબઈમાં ટાઇલ્સ લગાડવાનું કામ કરતો હતો અને મહિને એક વખત સુરત પોતાના ઘરે આવતો હતો. આરોપ છે કે હૈદર અલી પોતાની પત્ની ઇશરત જહાંને વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, જેના કારણે પત્નીએ પતિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

છાતી પર બેસી પતિનું ગળું દબાવ્યું

પોલીસ અનુસાર, પહેલી જાન્યુઆરીએ ઇશરત જહાંએ હળદરવાળા દૂધમાં ઉંદર મારવાની દવા ભેળવી પતિને પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે વખતે પતિનું મોત ન થતા, ચાર જાન્યુઆરીએ તેણે છાતી પર બેસી પતિનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પતિને ઉધરસ અને ઉલ્ટી થતી હોવાનું નાટક કરી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતકના ભાઈને શંકા જતા પોલીસને જાણ કરી

હોસ્પિટલથી વરદી મળતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને બાદમાં મૃતદેહનો કબજો પત્ની તથા પરિવારને સોંપવામાં આવ્યો હતો. જોકે દફનવિધિ દરમિયાન પત્ની અને મૃતકના ભાઈ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન મૃતકના ભાઈને સમગ્ર ઘટનામાં શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. બાદમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

પોલીસ પૂછપરછ દરમિયાન પત્ની ઇશરત જહાં ભાંગી પડી હતી અને તેણે ગુનો કબૂલ કર્યો હતો. તેણે સ્વીકાર્યું હતું કે પતિ દ્વારા થતાં વારંવારના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી તેણે પહેલા દૂધમાં ઝેર ભેળવી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને પછી પાંચ જાન્યુઆરીએ ગળું દબાવી પતિની હત્યા કરી હતી. હાલ લિંબાયત પોલીસ દ્વારા પત્ની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now