Home Gujarat Why Are Lions Dying In Gujarat Amreli Forest Department

બાળસિંહોના મોતના વિવાદ વચ્ચે વધુ એક સિંહણનું મોત : ગુજરાતમાં કેમ એક બાદ એક સિંહોના થઈ રહ્યાં છે મોત? અપાયા તપાસના આદેશ

બાળસિંહોના મોતના વિવાદ વચ્ચે વધુ એક સિંહણનું મોત
Published by: OBS Bureau
Last Updated: Aug 03, 2025, 08:33 AM IST

Lions News: અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ વિસ્તારોમાં બાળ સિંહોના મોત બાદ વધુ એક સિંહણના મોતની ઘટના સામે આવતા રાજ્યમાં ચિંતા ઊભી થઈ છે. હાલમાં જ ત્રણ બાળસિંહના મોત થઈ ચૂક્યા છે, અને આ ઘટનાએ વન વિભાગ અને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી છે. ત્યાર બાદ આજે ફરી એક સિંહણનું મોત થતા વિવાદ વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે.

અહીંના સ્થાનિકો માટે સિંહ માત્ર એક પ્રાણી નથી તેની સાથે અહીંના લોકોની લાગણીઓ પણ જોડાયેલી છે. જેને પગલે સ્થાનિકોમાં પણ સરકારી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલાં રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી આ બાબતે યોગ્ય તપાસ થાય એવી રજૂઆત કરી હતી.

સમગ્ર મામલાને લઈને આજે ગાંધીનગરથી પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલ સિંહ અને જૂનાગઢના ચીફ ફોરેસ્ટર (CF) રામ રતન નાલા સહિત અન્ય અધિકારીઓ પ્રથમ જાફરાબાદ રેન્જ અને ત્યારબાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર પહોંચ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલ રેસ્ક્યૂ કરાયેલા સિંહો સ્વસ્થ છે અને સાવચેતીના ભાગરૂપે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગાંધીનગરની ટીમે કહ્યું- ' અન્ય સિંહોના કેવી રીતે મોત થયા તેની તપાસ થશે, જે જરૂરી છે તે પગલાં લેવાશે'

પ્રાથમિક રિપોર્ટ મુજબ સિંહોનાં મોતનું મુખ્ય કારણ એનિમિયા અને ન્યૂમોનિયા હોઈ શકે છે. જાફરાબાદ રેન્જ અને ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા સિંહો પર નજર રાખવામાં આવી રહી છે. સાથોસાથ, સંભવિત રોગચાળા અંગે પણ તપાસ ચાલી રહી છે. વન વિભાગે પણ સિંહોના સંરક્ષણ માટે વિશેષ ટીમો ગોઠવી છે અને આગામી દિવસોમાં વધુ વિસ્તૃત રિપોર્ટ રજૂ થવાની સંભાવના છે. આ સમગ્ર ઘટના વન્યજીવનના સંરક્ષણ પર સવાલ ઉભા કરે છે અને સરકારને વધુ ચુસ્ત વ્યવસ્થા માટે દબાણ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now