રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી અંગે રાજ્યના DyCM હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, નાગરિકોના હિતમાં સુરક્ષિત રાખવામાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું, જેને હવે દૂર કરવામાં આવી રહ્યું છે.
'જંગલેશ્વર વિસ્તારમાં જ 58 પાસાના કેસ નોંધાયેલા'
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'આ વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કુખ્યાત બની ગયો હતો. અહીંથી ખૂનની કોશિશ, મારામારી, બળાત્કાર સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ 58 પાસા કેસ નોંધાયા હતા. ઉપરાંત, 400 કિલોથી વધુ ગાંજો પણ અહીંથી જપ્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 વર્ષ દરમિયાન જુગારના અડ્ડા ચલાવનારા તત્વોને પણ આ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું.
'ટપોરી તત્વોએ દાદાગીરીથી અનેક પ્લોટ પર કબજો કર્યો હતો'
તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક ગુનેગારો અને ટપોરી તત્વોએ દાદાગીરીથી અનેક પ્લોટ પર કબજો કર્યો હતો. આજે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. કાલે સાંજ સુધીમાં આ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવાની યોજના છે. DyCM એ ચેતવણી આપી કે, કોઈ પણ અસમાજિક તત્વે સરકારી જમીન પર કબજો કર્યો તો તરત જ સર્વે શરૂ કરવામાં આવશે અને કડક કાર્યવાહી થશે. ડિમોલિશન બાદ અસરગ્રસ્ત લોકો માટે પુનઃસ્થાપનની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આવનારા દિવસોમાં બીજા તબક્કાનું ડિમોલિશન પણ શરૂ કરવામાં આવશે.




















