Home National West Bengal Tmc Bjp Clash Mamata Video

બંગાળમાં TMC-BJP વચ્ચે હિંસક અથડામણ : 41 કાર્યકરો ઘાયલ, મમતા બેનર્જીનો વીડિયો ચર્ચામાં

કોલકાતામાં TMC અને BJP કાર્યકરો વચ્ચે અથડામણ બાદ પોલીસ કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2026, 06:07 PM IST

West Bengal News: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસા સામે આવી છે. કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા બરુઈપુરમાં સગીરા પર થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આયોજિત વિરોધ રેલી દરમિયાન ભાજપ અને TMCના કાર્યકરો આમને-સામને આવી જતા ભારે હોબાળો મચ્યો હતો. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર, ધક્કામુક્કી અને અથડામણ સર્જાતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરીને બંને પક્ષોને અલગ કર્યા હતા. રેલી દરમિયાન થયેલી હિંસામાં TMCના 41 કાર્યકરો, સમર્થકો અને કેટલાક નેતાઓ ઘાયલ થયા હોવાનો પક્ષનો દાવો છે. ઘાયલોને સારવાર માટે SSKM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ભાજપે TMC પર રાજકીય નાટક કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે TMCએ સમગ્ર ઘટનાનો જવાબદાર ભાજપના કાર્યકરોને ગણાવ્યો છે.

મમતા બેનર્જીનો વીડિયો વાયરલ, કાર્યકરને થપ્પડ માર્યાનો દાવો

રેલી પૂર્ણ થયા બાદ વધુ એક ઘટનાએ રાજકીય ચર્ચા જગાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં TMC નેતા મમતા બેનર્જી પોતાની પાર્ટીના એક કાર્યકરને થપ્પડ મારતા દેખાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર શેર કરીને મમતા બેનર્જીની ટીકા કરી હતી. અહેવાલો મુજબ, મમતા બેનર્જી પોતાના નિવાસસ્થાન નજીક પહોંચ્યા બાદ ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન એક કાર્યકર રસ્તો ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને આ દરમિયાન બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. જોકે, TMC તરફથી આ ઘટનાને લઈને વિગતવાર સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી.

રેલી દરમિયાન ઈંડા ફેંકાયા, 'ચોર-ચોર'ના સૂત્રોચ્ચાર

વિરોધ પ્રદર્શન દરમિયાન રેલી તરફ ઈંડા ફેંકવામાં આવ્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. સાથે જ કેટલાક સ્થળોએ 'ચોર-ચોર'ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જેના કારણે થોડા સમય માટે સ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી. સુરક્ષા દળોએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સમર્થક અસામાજિક તત્વોએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને નિશાન બનાવી હુમલો કર્યો હતો અને પોલીસ પૂરતી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હતી. બીજી તરફ ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે અને સમગ્ર ઘટનાને TMCની આંતરિક અવ્યવસ્થાનું પરિણામ ગણાવ્યું છે.

આ પણ વાંચો
: ISROએ ગગનયાન ક્રૂ મોડ્યુલના મુખ્ય પેરાશૂટનું કર્યું સફળ પરીક્ષણ : ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું

પોલીસ તપાસ શરૂ, રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું

ઘટના બાદ કોલકાતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અથડામણ દરમિયાન થયેલી હિંસા, વાયરલ વીડિયો અને અન્ય ઘટનાઓના CCTV ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે શાંતિ જાળવવા માટે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. આ ઘટનાએ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો લાવી દીધો છે. આગામી દિવસોમાં આ મુદ્દે ભાજપ અને TMC વચ્ચે આરોપ-પ્રત્યારોપનું રાજકારણ વધુ તેજ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now