ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસે મેલબર્ન પહોંચી ગયા છે, જ્યાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મેલબર્નમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન 'ભારત માતા કી જય' અને 'મોદી-મોદી'ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 'મા તુઝે સલામ' અને 'વંદે માતરમ' જેવી દેશભક્તિપૂર્ણ ધૂનો સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું, જ્યારે મહિલા કલાકારોએ ભગવાન શિવને સમર્પિત નૃત્ય રજૂ કરીને ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ સતત તાલીઓ પાડી કલાકારોનું ઉત્સાહવર્ધન કર્યું અને કાર્યક્રમ બાદ સૌનો આભાર વ્યક્ત કર્યો.
ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને મળશે નવી મજબૂતી
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે વડાપ્રધાન મોદી મેલબર્ન પહોંચી ગયા છે, જ્યાં તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ ત્રીજા વાર્ષિક શિખર સંમેલનની સંયુક્ત અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજાશે, જેથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની Comprehensive Strategic Partnershipને વધુ મજબૂત બનાવી શકાય.
PM મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર લખ્યું કે તેઓ મેલબર્ન પહોંચી ગયા છે અને આ પ્રવાસ ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચેના વ્યાપક વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે જણાવ્યું કે તેઓ વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથેની બેઠકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાય સાથે મુલાકાત કરવાનો પણ તેમને આનંદ છે, કારણ કે આ સમુદાય બંને દેશો વચ્ચેના સંબંધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
યુરેનિયમથી લઈને ડિફેન્સ સુધી અનેક મુદ્દાઓ પર રહેશે ચર્ચા
આ પ્રવાસ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. તેમાં યુરેનિયમ સપ્લાય, ડિફેન્સ સહયોગ, સમુદ્રી સુરક્ષા, ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સહકાર, ક્રિટિકલ મિનરલ્સ, ટેકનોલોજી, શિક્ષણ, સ્વચ્છ ઊર્જા અને વેપાર જેવા મુદ્દાઓ મુખ્ય રહેશે. બંને દેશો છેલ્લા કેટલાક વર્ષોમાં રક્ષા અને વ્યૂહાત્મક સહયોગને સતત મજબૂત બનાવી રહ્યા છે અને આ બેઠકમાં તે દિશામાં નવા નિર્ણયો લેવામાં આવી શકે છે.
CECA અને વેપાર કરાર પર પણ રહેશે ખાસ ધ્યાન
વડાપ્રધાન મોદી ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમ એવા સમયે યોજાઈ રહ્યો છે જ્યારે બંને દેશો હાલના Economic Cooperation and Trade Agreement (ECTA)ને વધુ વિસ્તૃત Comprehensive Economic Cooperation Agreement (CECA)માં પરિવર્તિત કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. વર્ષ 2022માં ECTA પર હસ્તાક્ષર થયા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે.
આંકડાઓ મુજબ વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયા માટે ભારતની નિકાસ આશરે 4 અબજ ડોલર હતી, જે વધીને વર્ષ 2024-25માં લગભગ 8.5 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. જ્યારે વર્ષ 2024-25 દરમિયાન બંને દેશો વચ્ચે કુલ દ્વિપક્ષીય વેપાર 24.1 અબજ ડોલર નોંધાયો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો સતત મજબૂત બની રહ્યા છે.
ગવર્નર જનરલ સાથે પણ થશે મુલાકાત
પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ સેમ મોસ્ટિન સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને વેપાર, રોકાણ, ટેક્નોલોજી અને વ્યૂહાત્મક સહકારને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.





