પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા પૂર્વે ચૂંટણી પંચના એક મોટા નિર્ણયે રાજ્યની રાજનીતિમાં ભારે ગરમાવો લાવી દીધો છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના 144-ફાલ્ટા વિધાનસભા બેઠક પર સમગ્ર ક્ષેત્રમાં ફરી મતદાન કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 29 એપ્રિલે યોજાયેલા મતદાન દરમિયાન હિંસા, ગેરરીતિ અને EVM સાથે ચેડાંના ગંભીર આરોપો સામે આવતા ચૂંટણી પંચે આ કડક પગલું ભર્યું છે.
ચૂંટણી પંચના આદેશ મુજબ, ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રના તમામ 285 મતદાન કેન્દ્રો અને સહાયક બૂથ પર હવે 21 મે 2026 ના રોજ ફરી મતદાન યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ 24 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે પશ્ચિમ બંગાળની બાકીની 293 બેઠકોના પરિણામો 4 મેના રોજ જાહેર થશે, જ્યારે ફાલ્ટાનું પરિણામ અલગથી જાહેર કરવામાં આવશે.
હિંસા અને EVM પર સ્ટીકર લગાડવાના આરોપ
29 એપ્રિલના રોજ થયેલા મતદાન દરમિયાન ફાલ્ટા વિસ્તારમાં અનેક બૂથ પર રાજકીય અથડામણો, હિંસા અને મતદાન પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. ખાસ કરીને કેટલાક EVM પર સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હોવાના વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ મામલો ગંભીર બન્યો હતો.
વિપક્ષી પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે મતદારોને પ્રભાવિત કરવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યા બાદ પરિસ્થિતિને “લોકશાહી પ્રક્રિયાના ગંભીર ભંગ” તરીકે ગણાવી સમગ્ર બેઠક પર રી-પોલિંગનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
અમિત માલવીયાનો TMC પર હુમલો
ચૂંટણી પંચના નિર્ણય બાદ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. ભાજપના આઈટી સેલના વડા અને પશ્ચિમ બંગાળના સહ-પ્રભારી અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પર TMC સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે “ડાયમંડ હાર્બર મોડલ હવે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે.”
તેમણે આરોપ લગાવ્યો કે ફાલ્ટામાં થયેલી હિંસા અને ગેરરીતિઓ રાજ્યમાં સત્તારૂઢ પક્ષની રાજકીય કાર્યશૈલી દર્શાવે છે. ભાજપે ચૂંટણી પંચના નિર્ણયને લોકશાહીની જીત ગણાવ્યો છે.
આ પણ વાંચો: બાજુવાળાનું બિલ ‘ઝીરો’ જોઈ ગુજરાતીઓએ લગાવી સોલર પેનલ! : જાણો કઈ રીતે તમે પણ બચાવી શકો છો લાખો રૂપિયા
અભિષેક બેનર્જીનો વળતો પ્રહાર
ભાજપના હુમલાનો જવાબ આપતા TMC ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીએ પણ સોશિયલ મીડિયા પર આક્રમક પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું કે, "તમારા બાંગ્લા બિરોધી ગુજરાતી ગેંગ અને તેમના કઠપૂતળી જ્ઞાનેશ કુમાર માટે મારા ડાયમંડ હાર્બર મોડેલમાં એક પણ ઘાવ નાખવા માટે દસ જીવન પૂરતા નહીં હોય."
અભિષેક બેનર્જીના આ નિવેદન બાદ રાજકીય વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. તેમણે ભાજપને ખુલ્લો પડકાર આપતા કહ્યું કે જો હિંમત હોય તો પાર્ટી પોતાના સૌથી મજબૂત ઉમેદવારને ફાલ્ટામાં ઉતારે અને પછી પરિણામ જોઈ લે.
તેમના નિવેદનને લઈને હવે ભાષાકીય અને પ્રાદેશિક રાજકારણની ચર્ચા પણ તેજ બની છે. ભાજપે અભિષેકના “ગુજરાતી ગેંગ” શબ્દપ્રયોગ પર પણ વાંધો ઉઠાવ્યો છે.
ડાયમંડ હાર્બર માટે પ્રતિષ્ઠાનો જંગ
ફાલ્ટા બેઠક ડાયમંડ હાર્બર લોકસભા વિસ્તાર હેઠળ આવે છે, જે અભિષેક બેનર્જીનો રાજકીય ગઢ માનવામાં આવે છે. તેથી આ બેઠક પર ફરી મતદાન હવે માત્ર સ્થાનિક ચૂંટણી મુદ્દો નહીં પરંતુ TMC અને ભાજપ વચ્ચેની પ્રતિષ્ઠાની લડાઈ બની ગયો છે.
રાજકીય નિષ્ણાતોના મતે, ફાલ્ટાનું પરિણામ ભલે એક બેઠક પૂરતું હોય, પરંતુ તેનો પ્રતિકાત્મક અને રાજકીય સંદેશ સમગ્ર રાજ્યમાં અસર કરી શકે છે. ખાસ કરીને ચૂંટણી પૂર્વે થયેલી હિંસા અને પંચના નિર્ણય બાદ હવે સમગ્ર દેશની નજર 21 મેના રી-પોલિંગ પર રહેશે.





