ભારતમાં ઘરેલુ વીજળી ખર્ચ ઘટાડવા માટે રૂફટોપ સોલર પેનલનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને કેન્દ્ર સરકારની PM Surya Ghar Muft Bijli Yojana બાદ સામાન્ય લોકોમાં સોલર એનર્જી તરફ આકર્ષણ નોંધપાત્ર રીતે વધ્યું છે. એક ઘરમાં સોલર પેનલ લગાવ્યા પછી પાડોશી પણ તે જ પગલું લે છે. જેને “નેબરહુડ ઇફેક્ટ” તરીકે ઓળખવામાં આવે છે. આ ટ્રેન્ડ ખાસ કરીને શહેરોમાં અને મધ્યમવર્ગીય વિસ્તારોમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
કેવી રીતે કામ કરે છે રૂફટોપ સોલાર પેનલ
રૂફટોપ સોલર પેનલ સીધા સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળી ઘરેલુ ઉપયોગ માટે વપરાય છે અને વધારાની વીજળી ગ્રીડમાં મોકલી શકાય છે. સરકારની યોજનામાં, સબસિડી આપવામાં આવે છે જેથી સામાન્ય લોકો માટે સોલર સિસ્ટમ લગાવવી સસ્તી બને. 1 kWથી 3 kW સુધીના સિસ્ટમ માટે સબસિડી ખાસ લાભદાયી સાબિત થાય છે.
શૂન્ય બિલ કેવી રીતે શક્ય
જ્યારે સોલર સિસ્ટમ ઘરની જરૂરિયાત જેટલી અથવા વધુ વીજળી ઉત્પન્ન કરે છે ત્યારે ગ્રાહકનું વીજળી બિલ લગભગ શૂન્ય થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં “નેટ મીટરિંગ” સિસ્ટમ લાગુ પડે છે, જેમાં વધારાની વીજળી ગ્રીડમાં મોકલવાથી ક્રેડિટ મળે છે. આ ક્રેડિટ ભવિષ્યના બિલમાં એડજસ્ટ થાય છે, જેના કારણે આખરે બિલ ખૂબ ઓછું કે શૂન્ય થઈ શકે છે.
આ પણ વાંચો: પેટ્રોલ ડિઝલનાં ભાવ વધશે કે ઘટશે : જાણો આ અઠવાડિયામાં કેટલા રૂપિયાની થઈ શકે છે વધ-ઘટ
“નેબરહુડ ઈફેક્ટ” શું છે?
અહેવાલો મુજબ, એક વિસ્તારમાં એક ઘર સોલર સિસ્ટમ અપનાવે પછી આસપાસના ઘરો પણ તે જ પગલું લે છે. આના પાછળના મુખ્ય કારણો ખર્ચમાં બચતનું સ્પષ્ટ ઉદાહરણ, સરકારી સબસિડી, લાંબા ગાળે રોકાણ પર વધુ રિટર્ન છે.
ગુજરાતમાં સોલર માટે ખાસ તક
ગુજરાત સોલર એનર્જી અપનાવવામાં દેશના અગ્રણી રાજ્યોમાં આવે છે. રાજ્યમાં સોલર સબસિડી અને સરળ નેટ મીટરિંગ નીતિઓના કારણે લોકો ઝડપથી આ તરફ વળી રહ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો: વિકાસ કે વિનાશ? : ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ કેમ છે વિવાદમાં? જાણો પ્રોજેક્ટની સંપૂર્ણ હકીકત
ખર્ચ અને બચતનું ગણિત
રૂફટોપ સોલર સિસ્ટમનો પ્રારંભિક ખર્ચ આશરે ₹50,000 થી ₹1.5 લાખ પ્રતિ kW સુધી હોઈ શકે છે. પરંતુ સબસિડી બાદ આ ખર્ચ ઘટે છે. સામાન્ય રીતે 4-5 વર્ષમાં રોકાણની રકમ વસૂલ થઈ જાય છે, ત્યારબાદ વીજળી લગભગ મફત મળે છે. સોલર પેનલની આયુષ્ય 20-25 વર્ષ સુધી હોઈ શકે છે, જે લાંબા ગાળે મોટી બચત આપે છે.
શું ધ્યાનમાં રાખવું જરૂરી?
છત પર પૂરતો સૂર્યપ્રકાશ મળે છે કે નહીં
પ્રમાણિત કંપની અથવા ઇન્સ્ટોલર પસંદ કરવો
સરકારી સબસિડી અને નિયમો સમજવા
ખોટી માહિતી અથવા ગેરમાર્ગે દોરતી ઓફરથી બચવું જરૂરી છે.
ભારતમાં રિન્યુએબલ એનર્જી પર ભાર વધતો જઈ રહ્યો છે. સરકારનો ઉદ્દેશ છે કે વધુમાં વધુ ઘરો સોલર એનર્જી અપનાવે અને વીજળી ખર્ચ ઘટાડે. આવતા સમયમાં વધુ સબસિડી, સરળ પ્રક્રિયા અને નવી ટેક્નોલોજી સાથે રૂફટોપ સોલર વધુ લોકપ્રિય બનવાની શક્યતા છે.





