પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો વચ્ચે પાનિહાટી બેઠક દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બની છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર રત્ના દેવનાથ, જેઓ આરજી કર મેડિકલ કોલેજમાં બનેલી દુષ્કર્મ અને હત્યાની પીડિતાની માતા છે. તેમના રાજકીય પ્રવેશ અને પ્રદર્શનને લઈને વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું છે.
સહાનુભૂતિનું ફેક્ટર
રત્ના દેવનાથની ઉમેદવારી નોંધાવવી એ માત્ર રાજકીય ઘટના નહોતી પરંતુ એક ભાવનાત્મક અને સામાજિક પ્રતિક તરીકે જોવામાં આવી છે. 2024માં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં થયેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં રોષ જગાવ્યો હતો. આ ઘટનાથી મહિલાઓની સુરક્ષાનો મુદ્દો રાજકીય એજન્ડામાં કેન્દ્રસ્થાને આવ્યો હતો.
તેમણે પોતાના પ્રચાર દરમિયાન મહિલાઓની સુરક્ષા, કાનૂની ન્યાય અને રાજ્યની કાયદો-વ્યવસ્થા પર સીધી ટીકા કરી હતી. તેમની ઉમેદવારીને સહાનુભૂતિનો મજબૂત આધાર મળ્યો હતો જે પાનિહાટી જેવી પરંપરાગત રીતે તૃણમૂલ કોંગ્રેસના ગઢમાં એક પડકારરૂપ પરિસ્થિતિ ઉભી કરે છે.
રત્ના દેવનાથ
રત્ના દેવનાથનો રાજકારણમાં પ્રવેશ એક વ્યક્તિગત દુઃખથી શરૂ થયો છે. પોતાની દીકરીને ન્યાય અપાવવા માટેના સંઘર્ષને તેમણે રાજકીય મંચ સુધી લઈ જવાનો નિર્ણય લીધો હતો. તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ માત્ર પોતાની દીકરી માટે નહીં પરંતુ રાજ્યની તમામ મહિલાઓ માટે લડી રહી છે. આ સંદેશે તેમને એક પ્રતિકાત્મક ઉમેદવાર તરીકે ઉભા કર્યા છે પરંતુ ચૂંટણીમાં જીત માટે માત્ર લાગણી પૂરતી નથી. સંગઠન, મતદારો સાથેનો સીધો સંપર્ક અને ચૂંટણી વ્યવસ્થાપન પણ તેટલું જ મહત્વપૂર્ણ છે.
પાનિહાટીમાં હાઈ-પ્રોફાઇલ મુકાબલો
પાનિહાટી બેઠક ઉત્તર 24 પરગણા જિલ્લામાં આવેલી છે અને લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસના નિયંત્રણમાં રહી છે. આ વખતે અહીં સીધી ટક્કર ભાજપ અને તૃણમૂલ વચ્ચે છે. રત્ના દેવનાથ સામે તૃણમૂલ કોંગ્રેસે તીર્થંકર ઘોષને મેદાનમાં ઉતાર્યા છે. જે સ્થાનિક સ્તરે મજબૂત સંગઠન આધાર ધરાવે છે. મતગણતરી દરમિયાન જોવા મળેલી હલચલ દર્શાવે છે કે શરૂઆતમાં સહાનુભૂતિનો લાભ મળ્યો હોવા છતાં સંગઠનશક્તિ અને સ્થાનિક નેટવર્ક નિર્ણાયક સાબિત થઈ શકે છે.
રાજ્યસ્તર પર શું ચાલી રહ્યું છે?
પશ્ચિમ બંગાળની સમગ્ર ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. પ્રારંભિક ટ્રેન્ડ મુજબ ભાજપ રાજ્યભરમાં નોંધપાત્ર પ્રદર્શન કરી રહ્યું છે. જ્યારે તૃણમૂલ પણ ઘણા વિસ્તારોમાં મજબૂત રીતે ટકી છે. ભબાનીપુર, નંદીગ્રામ અને પાનિહાટી રાજ્યની રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ બની રહ્યાં છે.
પાનિહાટી બેઠકનું અંતિમ પરિણામ હજુ સ્પષ્ટ નથી પરંતુ અત્યાર સુધીના ટ્રેન્ડ સૂચવે છે કે આ મુકાબલો અંત સુધી રસાકસી ભર્યો રહેશે. આ બેઠકનું પરિણામ માત્ર એક ઉમેદવારની જીત કે હાર પૂરતું નહીં રહે પરંતુ તે પશ્ચિમ બંગાળમાં ભાવનાત્મક મુદ્દાઓ સામે રાજકીય મશીનરી કેટલી અસરકારક રીતે કામ કરે છે તે પણ બતાવશે. રાજ્યસ્તર પર પણ આ ચૂંટણીના પરિણામો આગામી રાજકીય સમીકરણો, ગઠબંધનો અને નીતિ દિશાને અસર કરશે.






