Home National Jaipur Under Construction Building Wall Collapse Three Workers Live Lost

જયપુરમાં નિર્માણાધીન ઈમારતની દીવાલ ધરાશાયી : ત્રણ મજૂરોના મોત; અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા

Jaipur Building Collapse
Image Credit: @nextminutenews7
Published by: Nirali Gohil
Last Updated: Jun 29, 2026, 09:07 AM IST

Jaipur Building Collapse: રાજસ્થાનની રાજધાની જયપુરમાં સોમવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શહેરના આમેર વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતની વિશાળ દીવાલ અચાનક ધરાશાયી થતાં ભારે જાનહાનિ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અનેક શ્રમિકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આમેરના તાળા મોડ નજીક બની ઘટના

મળતી માહિતી અનુસાર, જયપુરના આમેર વિસ્તારના તાળા મોડ નજીક નાળાની ખોદકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન વધુ ઊંડું ખોદકામ થતાં નજીક આવેલી નિર્માણાધીન ઇમારતની ભારે દીવાલ અચાનક તૂટી પડી હતી. દીવાલ ધરાશાયી થતાં આસપાસ કામ કરી રહેલા મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અને પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.

ત્રણ મજૂરોના મોતની સત્તાવાર પુષ્ટિ

જયપુર જિલ્લા કલેક્ટર સંદેશ નાયકે આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. જોકે કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ મૃતકોની સંખ્યા વધુ હોવાનો દાવો કર્યો છે. સત્તાવાર રીતે હાલ ત્રણ લોકોના મોત નોંધાયા છે, જ્યારે અન્ય લોકોને બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે. પ્રશાસન દ્વારા મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અયોધ્યાના વકીલોનો મોટો નિર્ણય : રામ મંદિર ચઢાવા ચોરી કેસના આરોપીઓની કોઈ વકીલ નહીં કરે વકીલાત

કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ દીવાલ ધરાશાયી થતાં 12થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે. જેમાં મજૂરો ઉપરાંત અન્ય કેટલાક લોકો પણ સામેલ હોઈ શકે છે. આશંકાને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની વિશેષ ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. ભારે મશીનરીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

બચાવ કામગીરી યથાવત

હાલ બચાવ અને રાહત કામગીરી સતત ચાલુ છે. પ્રશાસનનું કહેવું છે કે, જ્યાં સુધી તમામ સંભવિત રીતે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં નહીં આવે ત્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહેશે. આ દુર્ઘટનાએ ફરી એકવાર નિર્માણાધીન સ્થળોએ સુરક્ષા ધોરણોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રાથમિક તપાસ બાદ અકસ્માતના ચોક્કસ કારણો સામે આવશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now