Israel Lebanon War: મધ્ય-પૂર્વના દેશોમાં લાંબા સમયથી સળગી રહેલી ચિંગારી હવે ભીષણ જ્વાળામાં પરિવર્તિત થઈ ચુકી છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે સમગ્ર પ્રદેશ અત્યારે વિનાશના આરે ઉભો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં લેબનોન પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાઓએ લોહીની નદીઓ વહાવી દીધી છે. સત્તાવાર આંકડાઓ મુજબ, આ હુમલામાં ઓછામાં ઓછા 254 લોકોના કરુણ મોત નીપજ્યા છે. હોસ્પિટલોમાં 1165થી વધુ ઈજાગ્રસ્તોની ચીસો ગુંજી રહી છે, જેના કારણે લેબનોનમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ આંકડો હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. પરંતુ વાત અહીં અટકતી નથી. એક તરફ સરહદો પર મિસાઈલો વરસી રહી છે, તો બીજી તરફ તેહરાને આર્થિક મોરચે એક એવો દાવ ખેલ્યો છે જેણે વૈશ્વિક ઊર્જા બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. ઈરાને વિશ્વના સૌથી વ્યૂહાત્મક જળમાર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' પર બિટકોઈન ટેક્સ લાદવાની તૈયારી કરી લીધી છે.
લેબનોનમાં માનવીય કટોકટી અને રાજદ્વારી મડાગાંઠ
બૈરુતના રહેણાંક વિસ્તારોથી લઈને દક્ષિણ લેબનોનના ગામડાઓ સુધી ઈઝરાયેલી ફાઈટર જેટ્સ કાળ બનીને ત્રાટક્યા છે. લેબનોનના વડાપ્રધાન નવાફ સલામે વૈશ્વિક મંચ પર આક્રમકતા રોકવા માટે કાકલૂદી કરી છે, પરંતુ જમીની હકીકત એ છે કે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા ઘૂંટણિયે પડી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રી રકાન નાસેરદ્દીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, હોસ્પિટલોમાં હવે ઈજાગ્રસ્તોને રાખવાની જગ્યા નથી અને જીવનરક્ષક દવાઓનો જથ્થો પણ ખૂટી રહ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ: ઈરાનનું ‘ક્રિપ્ટો શસ્ત્ર’ અને પેટ્રોડોલરને પડકાર
વિશ્લેષણ કરીએ તો, ઈરાને યુદ્ધના મેદાનની બહાર જે ચાલ ચાલી છે તે વધુ ઘાતક સાબિત થઈ શકે છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાન હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલના જહાજો પર પ્રતિ બેરલ 1 ડોલરનો ટૉલ ટેક્સ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ પેમેન્ટ માત્ર બિટકોઈનમાં જ સ્વીકારવામાં આવશે.ઈરાની અધિકારી હામિદ હુસૈનીએ આને સુરક્ષાનું બહાનું આપ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં આ અમેરિકી પ્રતિબંધોની પકડમાંથી બહાર નીકળવાનો ઈરાનનો માસ્ટરપ્લાન છે. દુનિયાના કુલ તેલ પુરવઠાનો 20 થી 30 ટકા હિસ્સો જ્યાંથી પસાર થાય છે તેવા આ જળમાર્ગ પર જો ઈરાન પોતાની શરતો થોપે, તો વૈશ્વિક તેલ બજારમાં ડોલરનું વર્ચસ્વ જોખમાઈ શકે છે.
આ પણ વાંચો: ‘મિશન અધૂરું છે’ નેતન્યાહૂનું નિવેદન : ઈરાનને કડક ચેતાવણી, હવે શું થશે?
પ્રાદેશિક ગણિત: સાઉદી-ઈરાન સંબંધો અને વધતો ખતરો
અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, શું આ તણાવ વચ્ચે કોઈ મધ્યસ્થી શક્ય છે? ઈરાન અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીત તો થઈ છે, પરંતુ સાઉદી અરેબિયાનું રહસ્યમય મૌન ઘણું બધું કહી જાય છે. વર્ષ 2023માં ચીનની મદદથી પુનઃસ્થાપિત થયેલા આ સંબંધો અત્યારે કસોટીની એરણે છે. બીજી તરફ, ઈરાકની ધરતી પર પણ અશાંતિ યથાવત છે. એર્બિલમાં થયેલા ડ્રોન હુમલાના આરોપીઓની ધરપકડ બાદ વડાપ્રધાન અલ-સુદાનીએ ફ્રાન્સને આશ્વાસન તો આપ્યું છે, પરંતુ આખું ક્ષેત્ર અત્યારે એક જીવતા બૉમ્બ પર બેઠું હોય તેવી સ્થિતિ છે.
યુદ્ધનું માનવીય મૂલ્ય: અવિરત હિંસા અને અટવાયેલું ભવિષ્ય
આ ભીષણ જંગમાં સૌથી વધુ જો કોઈ પીસાતું હોય તો તે નિર્દોષ નાગરિકો છે. એચઆરએનએ (HRANA) ના રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 1701 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ૨૫૪ તો માસૂમ બાળકો છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોઈ નવા મોતના સમાચાર નથી, પરંતુ આ માત્ર 'તોફાન પહેલાની શાંતિ' જેવું જણાય છે. ઈરાનની આંતરિક સ્થિતિ પણ કંઈ સારી નથી. દેશનિકાલ કરાયેલા પ્રિન્સ રઝા પહેલવીએ વર્તમાન શાસનને 'ઘાયલ પશુ' સાથે સરખાવીને નવો વિવાદ છેડ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, સત્તા પર પકડ નબળી પડી છે, પણ પરિવર્તન હજુ જોજનો દૂર છે.





