છેલ્લા એક મહિનાથી વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્ર પર જે અનિશ્ચિતતાના કાળા વાદળો છવાયેલા હતા, ત્યાંથી આખરે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. 38 દિવસના ભીષણ અને રક્તરંજિત સંઘર્ષ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસના 'બેવડા' યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને તાત્કાલિક અસરથી અને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ખોલવાની શરતે આ યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે. વિશ્વની આ બે મોટી સત્તાઓ વચ્ચેના સંઘર્ષ વિરામથી સમગ્ર વિશ્વમાં શાંતિની નવી આશા જાગી છે, જેમાં ભારત પણ અગ્રેસર રહ્યું છે.
નવી દિલ્હીમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે (MEA) આ યુદ્ધવિરામના અહેવાલોને હૃદયપૂર્વક આવકાર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે ભારત આ પગલાને પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ તરફના પ્રારંભ તરીકે જોઈ રહ્યું છે.
ભારતે વર્ષોથી 'સંવાદ અને કુટનીતિ' ના માર્ગ પર ભાર મૂક્યો છે અને વર્તમાન સ્થિતિ તે દિશામાં એક મોટું ડગલું ગણી શકાય. જોકે, શાંતિની આ આશા વચ્ચે ભારતે તેના નાગરિકોને સાવચેતીના ભાગરૂપે હજુ પણ ઈરાનમાંથી સુરક્ષિત બહાર નીકળવાની સલાહ આપી છે, જે દર્શાવે છે કે ભારત આ સ્થિતિને અત્યંત ગંભીરતાથી અને સાવધાનીપૂર્વક જોઈ રહ્યું છે.
સમજૂતીની શરતો અને પાકિસ્તાનનું ફેક્ટર
આ યુદ્ધવિરામ કોઈ સામાન્ય કે ત્વરિત લેવાયેલો નિર્ણય નથી. છેલ્લા 38 દિવસથી ચાલી રહેલા 'ઓપરેશન એપિક ફ્યુરી'એ જે પ્રકારે વિશ્વને પરમાણુ યુદ્ધની અણી પર લાવી દીધું હતું, તે જોતા આ 14 દિવસની અવધિ અત્યંત નિર્ણાયક બની રહેવાની છે.
આ કરારમાં પાકિસ્તાને એક મહત્વપૂર્ણ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી છે તે પણ નોંધવા જેવું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને સૈન્ય નેતૃત્વએ ઈરાન તરફથી રજૂ કરવામાં આવેલો 10-મુદ્દાનો પ્રસ્તાવ અમેરિકા સુધી પહોંચાડ્યો હતો, જેને રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંત્રણા માટે 'કાર્યક્ષમ આધાર' ગણાવ્યો છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે.. આ કરાર હેઠળ સૌથી મોટી શરત હોર્મુઝની સામુદ્રધુનીને ખુલ્લી રાખવાની છે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો 20 ટકા હિસ્સો આ સાંકડી દરિયાઈ પટ્ટીમાંથી પસાર થાય છે.
ઈરાને તેને અવરોધિત કરતા વૈશ્વિક તેલ બજારમાં જે હાહાકાર મચી ગયો હતો, તે હવે આ યુદ્ધવિરામથી શાંત થશે. આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજો માટે રસ્તો સાફ થતા વૈશ્વિક સપ્લાય ચેઈન ફરી ધબકતી થશે.
ભારત માટે આ સમાચાર કેમ વરદાન સમાન છે?
વિશ્લેષણ કરીએ તો ભારત માટે અમેરિકા-ઈરાન સંઘર્ષનો અંત આવવો એ કોઈ મોટી ઉપલબ્ધિથી ઓછું નથી. ભારતના વ્યુહાત્મક હિતો આ પ્રદેશ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલા છે. સૌ પ્રથમ, 'ઉર્જા સુરક્ષા' ની દૃષ્ટિએ જોઈએ તો, ભારત તેની જરૂરિયાતનું 85 ટકા તેલ આયાત કરે છે.
યુદ્ધ દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ આસમાને પહોંચીને 126 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા હતા. જો આ સંઘર્ષ વધુ ખેંચાયો હોત, તો ભારતમાં મોંઘવારીનો વિસ્ફોટ થવાની પૂરેપૂરી શક્યતા હતી. યુદ્ધવિરામની જાહેરાત થતાની સાથે જ કાચા તેલના ભાવમાં 13 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ભારતનો બીજો સૌથી મહત્વનો મુદ્દો 'ચાબહાર બંદર' છે. ઈરાન સ્થિત આ બંદર ભારત માટે મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી પહોંચવાનો 'ગેટવે' છે. ભારતનો ચાબહાર પરનો 10 વર્ષનો ઓપરેશનલ કરાર અત્યારે જોખમમાં હતો, કારણ કે અમેરિકાના પ્રતિબંધોની તલવાર તેની પર લટકી રહી છે.
આગામી 26 એપ્રિલ, 2026 ના રોજ આ પ્રોજેક્ટ માટેના પ્રતિબંધોની મુક્તિ (Sanctions Waiver) ની મુદત પૂરી થઈ રહી છે. આ યુદ્ધવિરામ ભારતને અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો કરવા અને આ પ્રોજેક્ટને સુરક્ષિત રાખવા માટે અમૂલ્ય સમય આપશે.
આ પણ વાંચો: ઈરાનની સ્થિતિ પર ભારત સરકારે જાહેર કરી એડવાઈઝરી : દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
બજારમાં દિવાળી અને અર્થતંત્ર પર અસર
યુદ્ધવિરામના સમાચારની જાદુઈ અસર ભારતીય શેરબજારમાં જોવા મળી છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ એક જ દિવસમાં 2,700 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. રોકાણકારોમાં એવો વિશ્વાસ જાગ્યો છે કે હવે વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિરતા પરત આવશે.
તેલના ભાવ ઘટવાથી ભારતીય રૂપિયો પણ મજબૂત થયો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો આ શાંતિ કાયમી બનશે, તો ભારતનો જીડીપી ગ્રોથ પણ ધારણા કરતા વધુ રહી શકે છે. મધ્ય-પૂર્વમાં વસતા 90 લાખ ભારતીયોની સુરક્ષાનો ખતરો પણ હાલ ટળ્યો છે.
ભવિષ્યના પડકારો અને ભારતની 'વિશ્વ-બંધુ' ભૂમિકા
અહીં પ્રશ્ન ઊભો થાય છે કે શું માત્ર 14 દિવસના યુદ્ધવિરામથી બધું જ બરાબર થઈ જશે? હજુ ઘણું જોવાનું બાકી છે. આ સમયગાળા દરમિયાન બંને પક્ષો પોતાની શરતો પર કેટલા અડગ રહે છે તે મહત્વનું છે. ખાસ કરીને ઈઝરાયેલનું વલણ પણ નિર્ણાયક છે.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના આ નિર્ણયને ટેકો તો આપ્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે તે લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ પોતાની સૈન્ય કાર્યવાહીમાં કોઈ બાંધછોડ નહીં કરે.
ભારત હવે 'વિશ્વ-બંધુ' (Global Friend) તરીકે પોતાની ભૂમિકા ભજવવા તૈયાર દેખાઈ રહ્યું છે. રશિયા-યુક્રેન હોય કે હવે અમેરિકા-ઈરાન, આંતરરાષ્ટ્રીય સ્તરે મડાગાંઠ ઉકેલવામાં ભારતનું નૈતિક દબાણ અને સંતુલિત વિદેશ નીતિ ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે.
આ યુદ્ધવિરામ માત્ર બે દેશો વચ્ચેનો વિરામ નથી, પરંતુ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધના ભયમાંથી બહાર લાવવાનો એક પ્રયાસ છે. ભારત માટે આ સમય પોતાની વ્યૂહરચનાઓ મજબૂત કરવાનો છે. આગામી 14 દિવસ માત્ર મધ્ય-પૂર્વ જ નહીં, પણ સમગ્ર વિશ્વનું ભવિષ્ય નક્કી કરશે.





