ગુજરાત રાજ્યએ માદક પદાર્થો વિરુદ્ધ જીરો ટોલરન્સની નીતિ અંતર્ગત ઉગ્ર કાર્યવાહી હાથ ધરતાં રાજ્ય એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ વધુ એક મોટી સફળતા મેળવી છે. ગત ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ એ.ટી.એસ. દ્વારા આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલ ગ્રીનલાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની પર દરોડા પાડી 107 કિલો અલ્પ્રાઝોલમ તથા 2518 કિલો અન્ય કેમિકલ સાથે રૂ. 107 કરોડના માદક પદાર્થોના જથ્થાની ચકાસણી કરીને NDPS Act હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ કેસમાં કુલ ૬ આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અજય જૈન, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા, રણજીત ડાભી અને જયદીપ મકવાણા સામેલ છે. વધુ તપાસમાં ખુલ્યું હતું કે, આ અજય જૈન દ્વારા ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ અને ટ્રામાડોલ પદાર્થોનો જથ્થો અન્ય આરોપીઓ અસલમ ખાન, કાલુરામ પાટીદાર અને સકિલ મોહમ્મદને વેચવામાં આવતો હતો.
આંગડિયા મારફતે ચાલતી નાણાંની લેવડદેવડમાં અસલમ ખાને 5 કિલો અલ્પ્રાઝોલમ માટે ₹15 લાખ ચૂકવ્યા હતા, જ્યારે કાલુરામ પાટીદાર અને સકિલ મોહમ્મદે 11 કિલો માટે ₹30 લાખ ચુકવ્યા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં વધુ ખુલાસો થયો કે 107 કિલો અલ્ટ્રાઝોલમના ઉત્પાદન માટે ₹30 લાખ એડવાન્સમાં આપવામાં આવ્યા હતા.
આ આધારે તપાસ અધિકારી C.H. પનારા, V.B. પટેલ, R.R. ગરચર, D.V. રાઠોડ અને PSI મયુરસિંહ સોલંકીની ટીમે સંકલિત રીતે સઘન ઇન્ટેલિજન્સના આધારે સતત 72 કલાક સુધીના ઓપરેશન બાદ ત્રણેય વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે
આ ત્રણેય આરોપીમાં 1) અસલમ ખાન જાવરા (મધ્યપ્રદેશ) 2) કાલુરામ પાટીદાર (મધ્યપ્રદેશ) અને સકિલ મોહમ્મદની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઝડપી લેવાયા હતા. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.
અસલમ ખાન ઉપર વર્ષ 2011માં NDPS Act હેઠળ 10 વર્ષની સજા થઈ ચુકી છે. જ્યારે કાલુરામ પાટીદાર પર પણ NDPS તેમજ એક્સાઈઝ એક્ટ હેઠળ એકથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સકિલ મોહમ્મદ વિરુદ્ધ પણ એન.સી.બી. ઈન્દોર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ગુજરાત એ.ટી.એસ.ના આ કાર્યવાહીએ રાજ્યમાં માદક પદાર્થોના કાળા વેપારના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ કેસ અનેક રહસ્યો સામે આવવાની શકયતા રહેલી છે.






