Home Gujarat Vadodara Waghodia Ration Scam Black Marketing Government Grain Shop Raid Gujarati News

સરકારી અનાજની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ : સંચાલક અને ટેમ્પો ચાલક પોલીસના સકંજામાં, જાણો રાત્રિના અંધારામાં કેવી રીતે રંગેહાથ ઝડપાયું આખું રેકેટ?

Ration Scam, Black Marketing
Published by: Nirali Gohil
Last Updated: May 26, 2026, 06:12 AM IST

Ration Scam: વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં ગરીબોના મોંનો કોળિયો છીનવી લેતું એક ગંભીર સરકારી અનાજ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સરકાર દ્વારા ગરીબ પરિવારોને સસ્તા દરે મળતું અનાજ બારોબાર કાળાબજારમાં વેચી મારવાના આ કારસ્તાનનો વાઘોડિયા મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમે પર્દાફાશ કર્યો છે. રાત્રિના અંધારામાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો હતો, ત્યારે જ તંત્રએ ઓચિંતો દરોડો પાડીને સંચાલક અને ટેમ્પો ચાલકને રંગેહાથ ઝડપી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, વાઘોડિયાની મનમોહન પાર્ક સોસાયટીમાં આવેલી 'પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર' (પરવાના નંબર: ૫૪/૨૦૧૫) નામની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે અનાજ બહાર મોકલવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી મામલતદારને મળી હતી. તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરતા દુકાન પર દરોડો પાડ્યો હતો, જ્યાં દુકાન સંચાલક દર્શનકુમાર હરેશભાઈ જયસ્વાલ અને ટેમ્પો ચાલકને અનાજની બોરીઓ ટેમ્પોમાં ભરતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.

લાખોનો મુદ્દામાલ અને ટેમ્પો જપ્ત

દરોડા દરમિયાન તંત્રને ઘટનાસ્થળેથી એક પિકઅપ ટેમ્પો (નંબર: GJ 06 AT 5929) મળી આવ્યો હતો. ટેમ્પોની સઘન તલાશી લેતા તેમાંથી ૧૪૨ કિલો ચોખા, ૯ કિલો ચણા અને નોંધપાત્ર માત્રામાં ઘઉંનો સરકારી જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તમામ અનાજનો જથ્થો તથા વાહન જપ્ત કરી લીધો છે અને આગળની તપાસ અર્થે સમગ્ર મુદ્દામાલ ગોડાઉન મેનેજરને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હવે સરકારી દાખલાઓ માટે કચેરીઓના ધક્કા બંધ!: આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ હવે મળશે સીધા WhatsApp પર, જાણો કેવી રીતે

અધિકારીઓ અને વેપારીઓની સાંઠગાંઠની આશંકા

આ કૌભાંડના પર્દાફાશ બાદ સ્થાનિકોમાં પુરવઠા વિભાગની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું માનવું છે કે, આ માત્ર એક દુકાનદારનું કૃત્ય નથી, પરંતુ આ કાળાબજારી પાછળ એક મોટું નેટવર્ક સક્રિય છે. ચર્ચા મુજબ, આ કૌભાંડમાં સ્થાનિક વેપારીઓ અને પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠ હોવાની પ્રબળ શક્યતા છે.

તપાસનો રેલો મોટા માથાઓ સુધી પહોંચવાની શક્યતા

આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસ પાસે કડક તપાસની માંગણી કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે જો પોલીસે પકડાયેલા આરોપીઓના કોલ ડિટેલ્સ (CDR)ની ટેકનિકલ તપાસ કરવામાં આવે, તો આ રેકેટ સાથે જોડાયેલા અનેક મોટા માથાઓના નામ સામે આવી શકે છે. હાલમાં સ્થાનિક પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે આગામી દિવસોમાં આ કૌભાંડમાં કોના-કોના નામ ખુલે છે તેના પર સૌની નજર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now