Home Gujarat Vadodara Waghodia Nagarpalika Election Bjp Mla Dharmendra Vaghela Controversial Speech

"ભાજપ સિવાયની કોઈ વાત કરશે તો તેને સીધો કરી નાખીશું" : પેનલ તોડીને જીતનારને પણ ભાજપના ધારાસભ્યએ આપી 'ઘરભેગો' કરી દેવાની ધમકી

Dharmendra Vaghela Threat
Published by: Nirali Gohil
Last Updated: Apr 24, 2026, 05:36 AM IST

Waghodia Election News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગમાં વાઘોડિયા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી જાહેર સભામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લા પ્રભારી ડૉ. ઋત્વિજ પટેલે વિરોધીઓ અને બળવાખોરો પર શાબ્દિક પ્રહારો કરતા ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વેપારીઓને તેમની દુકાનો તૂટવાની ઘટના યાદ અપાવીને જે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે, તેનાથી સમગ્ર પંથકમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રચારના અંતિમ કલાકોમાં ભાજપના આક્રમક વલણે વિપક્ષોને પણ ચોંકાવી દીધા છે.

વેપારીઓને દુકાનો તોડી પાડવાની આડકતરી ધમકી

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સભામાં વેપારીઓને સંબોધતા અત્યંત આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "કમળ સિવાય કોઈને મત આપવાનું કહે તો મને જાણ કરજો. જો ભાજપ સિવાયની કોઈ વાત કરશે તો તેને સીધો કરી નાખીશું." એટલું જ નહીં, તેમણે પેનલ તોડીને અપક્ષ કે અન્ય રીતે જીતનાર ઉમેદવારોને પણ ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈ પેનલ તોડીને જીતશે તો પણ તેને 'ઘરભેગો' કરી દેવામાં આવશે.

અમને ના છણછેડતાં બાકી તમને ખબર છે ધર્મેન્દ્ર સિંહ કોણ છે. વધુમાં તેમણે કહ્યું કે, "વેપારીઓ ભૂલે નહીં કે જ્યારે તમારી દુકાનો તૂટવાની હતી અને મામલતદારે નોટિસ આપી દીધી હતી, ત્યારે મેં જ તેમને રોક્યા હતા. તમારી દુકાનો તૂટવા નથી દીધી એ યાદ રાખજો." આ નિવેદનને વેપારીઓ પર દબાણ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, "અમને છણછેડતા નહીં, બાકી તમને ખબર છે કે ધર્મેન્દ્રસિંહ કોણ છે."

ડૉ. ઋત્વિજ પટેલના પ્રહારો: "ગદ્દારોનો હિસાબ થશે"

ભાજપના જિલ્લા પ્રભારી ડૉ. ઋત્વિજ પટેલે પણ સૂર પૂરાવતા વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે વાઘોડિયામાં કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે હવે અહીં કોઈ કોંગ્રેસી બચ્યા જ નથી. પક્ષની અંદર રહીને વિરોધ કરનારાઓને તેમણે 'વિભીષણ' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ૨૮ તારીખે મતદાન પૂરું થયા બાદ તમામ 'ગદ્દારો'નો પદ્ધતિસરનો હિસાબ કરવામાં આવશે. ભાજપ સામે ઉમેદવાર ઉભા રાખનાર કે મદદ કરનાર સામે શિસ્તભંગના કડક પગલાં લેવાની તેમણે જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, રવિવારે 10,000થી વધુ બેઠકો પર મતદાન

લોકશાહી કે ડરનું શાસન?

ચૂંટણી સભામાં ભાજપના નેતાઓના આવા નિવેદનો બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. એક તરફ ભાજપ આને પક્ષની શિસ્તનો પાઠ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ સામાન્ય જનતામાં આ પ્રકારની 'ધમકીભરી' ભાષાને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. શું મતદારો આ ડરના માહોલમાં મતદાન કરશે કે પછી બેલેટ બોક્સમાં આનો વળતો જવાબ આપશે, તે તો ૨૬ એપ્રિલે જ ખબર પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now