સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધતી ગેસ સિલિન્ડર ચોરીની ઘટનાઓનો અંત લાવવા પોલીસે સફળ કામગીરી હાથ ધરી છે. ગણપતિ ફાટસર અને ગણેશનગર સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમયે ગેસ સિલિન્ડરની ચોરી અંગે નોંધાયેલી ફરિયાદોના આધારે વઢવાણ પોલીસે તપાસ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતા એક શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ સામે આવી હતી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા વ્યક્તિની ઓળખ અજયભાઈ જીલુભાઇ સારલા તરીકે થઈ હતી. વધુ તપાસમાં સામે આવ્યું કે તે વઢવાણના 80 ફૂટ રોડ પર અલ્ટ્રા વિઝન સ્કૂલ પાછળના વિસ્તારમાં રહે છે. આ આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અજયભાઈ સારલાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે.
ચોરીના સિલિન્ડર વેચાણનો પણ ખુલાસો
પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ કડી સામે આવી છે. આરોપી અજયભાઈ ચોરી કરેલા સિલિન્ડરો દેવાંગ રમેશભાઈ ભરવાડને વેચતો હતો. દેવાંગ ભરવાડ રતનપર બાયપાસ રોડ પર મહાકાળી હોટલ નજીક રહેતો હોવાનું સામે આવ્યું છે. આ આધારે પોલીસે દેવાંગ ભરવાડની પણ ધરપકડ કરી છે.
પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 16 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા સિલિન્ડરોની કુલ કિંમત અંદાજે 63 હજાર રૂપિયા હોવાનું જણાવાયું છે. તપાસમાં સામે આવ્યું છે કે આ સિલિન્ડરો સુરેન્દ્રનગર શહેરના એ ડિવિઝન, બી ડિવિઝન, જોરાવનગર અને વઢવાણ વિસ્તારોમાંથી ચોરી કરવામાં આવ્યા હતા.
પૈસાની જરૂરિયાતે કરાતી ચોરી
પોલીસ પૂછપરછમાં ખુલ્યું છે કે અજયભાઈ સારલા પૈસાની જરૂર પડતી વખતે ગેસ સિલિન્ડરની ચોરી કરતો હતો. તે દરેક સિલિન્ડર લગભગ રૂ. 2500ના ભાવે દેવાંગ ભરવાડને વેચી દેતો હતો. આ રીતે તેણે અનેક વિસ્તારોમાં ચોરીઓ આચરી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
વઢવાણ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરીને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય વિસ્તારોમાં થયેલી ગેસ સિલિન્ડર ચોરીની ઘટનાઓમાં પણ આ બંનેની સંડોવણી છે કે નહીં.
પોલીસનો સઘન ઓપરેશન અને આગળની કાર્યવાહી
આ સમગ્ર મામલે સુરેન્દ્રનગરના ASP વૈદિકા બિહાની દ્વારા જણાવાયું હતું કે શહેર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ચોરીના બનાવોમાં છેલ્લા સમયમાં વધારો થયો હતો. “નેત્રમ પ્રોજેક્ટ” અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસએ આરોપીને ઓળખી ઝડપી પાડ્યો છે. પ્રથમ ધરપકડ બાદ પૂછપરછમાં સમગ્ર ચોરીનું જાળું બહાર આવ્યું હતું.
પોલીસ હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે. આગળના દિવસોમાં વધુ ચોરીઓનો ભેદ ઉકેલાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ કેસમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેથી આવી ઘટનાઓ પર રોક લગાવી શકાય.






