Home Gujarat Vadodara Vadodara Police Invokes Gctoc Against Lalu Sindhi Gang 12 Booked

વડોદરા પોલીસનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો : કુખ્યાત બુટલેગર લાલુ સિંધી અને તેની ગેંગ પર ‘ગુજસીટોક’ ઝીંકાયો, 12 સામે ગુનો નોંધાયો

Lalu Sindhi Gang, GCTOC Vadodara
Published by: Nirali Gohil
Last Updated: May 04, 2026, 04:43 AM IST

વડોદરામાં સંગઠિત ગુનાખોરી ડામવા માટે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. દાયકાઓથી ગુજરાતમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે ઠાલવતા કુખ્યાત બુટલેગર લાલુ સિંધી અને તેની સંગઠિત ગેંગ સામે વડોદરા પોલીસે ‘ગુજસીટોક’ (GCTOC) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડનો દોર શરૂ કર્યો છે. વડોદરા શહેર, જિલ્લો અને મધ્ય ગુજરાતમાં ફેલાયેલા આ નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે કુલ ૧૨ આરોપીઓ સામે ગાળિયો કસ્યો છે. આ ટોળકીનું વર્ચસ્વ એટલું હતું કે સ્થાનિક બુટલેગરોએ પણ દારૂના ધંધા માટે લાલુ સિંધીની મંજૂરી લેવી પડતી હતી.

કુખ્યાત લાલુ સિંધી ગેંગ પર કાયદાનો સકંજો: 12 સામે ગુનો દાખલ

વડોદરા પોલીસે નંદેસરી પોલીસ મથકે સંગઠિત ગુના નિવારણ કાયદા (ગુજસીટોક) હેઠળ લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી અને તેની ટોળકીના 12 સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ટોળકી છેલ્લા ૨૦ વર્ષથી સક્રિય હતી અને મધ્ય ગુજરાતના દારૂના કાળા કારોબાર પર એકહથ્થુ શાસન ધરાવતી હતી. લાલુ સિંધી પોતે ૩૭ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને અગાઉ ૬ વખત પાસા (PASA) હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે.

મુકેશ મખીજાનીની ધરપકડ અને તપાસનો ધમધમાટ

પોલીસે આ કાર્યવાહી અંતર્ગત ટોળકીના સભ્ય મુકેશ નારાયણદાસ મખીજાનીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં અન્ય ચાર આરોપીઓ પહેલેથી જ જેલમાં બંધ છે, જ્યારે લાલુ સિંધી સહિતના બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસની જવાબદારી એસીપી (ACP) પ્રણવ કટારીયાને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ : જાણો ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ

અન્ય રાજ્યોમાંથી ચાલતું હતું દારૂનું નેટવર્ક

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લાલુ સિંધી, સુનીલ ઉર્ફે અદો અને વિજુ સિંધીની આ ગેંગ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દમણ અને ગોવા જેવા રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવતી હતી. આ કરોડોનો દારૂ ગુજરાતના ખૂણે-ખૂણે સપ્લાય કરવામાં આવતો હતો. અગાઉ અનેક ગુના નોંધાયા છતાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પીઠબળને કારણે આ ગેંગ લાંબા સમય સુધી બચી નીકળવામાં સફળ રહી હતી, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની સક્રિયતા બાદ આખરે વડોદરા પોલીસે કડક શસ્ત્ર ઉગામ્યું છે.

કોની કોની સામે ગુનો નોંધાયો?

નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં નીચેના આરોપીઓના નામ સામેલ છે:

  • લાલચંદ ઉર્ફે લાલુ સિંધી (મુખ્ય સૂત્રધાર)

  • સુનીલ ઉર્ફે અદો કેવલરામાણી

  • મુકેશ નારાયણદાસ મખીજાની (ધરપકડ કરાઈ)

  • અનિલ ઉર્ફે એન્થોની ગંગવાણી

  • ધર્મેશ ઉર્ફે લાલો ચૌહાણ

  • કાલુ ઉર્ફે ટોપી ટેલવાણી

  • મનોજ ઉર્ફે પાપડ નરસિંગાની

  • જીતેન્દ્ર ચૌહાણ, મોહિત અગ્રવાલ, હેમંત સચવાણી, હિમાંશુ અગ્રવાલ અને દીપેન વાળા

પોલીસની આ કડક કાર્યવાહીથી વડોદરાના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now