સુરત: ડાયમંડ સિટી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એન્થમ સર્કલ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કાફલો રોકાવીને અકસ્માતનો ભોગ બનેલા યુવકની વ્હારે આવ્યા હતા. મંત્રીએ હોદ્દાની પરવા કર્યા વગર રસ્તા પર ઉતરીને જે રીતે યુવકને તાત્કાલિક સારવાર અપાવવા દોડધામ કરી, તે જોઈને હાજર લોકો પણ પ્રભાવિત થયા હતા.
108ની રાહ જોયા વગર પાયલોટિંગ જીપમાં યુવકને ખસેડાયો
એન્થમ સર્કલ પાસે અકસ્માત એટલો ગંભીર હતો કે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવો અનિવાર્ય હતો. ટ્રાફિક જામ અને ઈમરજન્સીની સ્થિતિને જોતા મંત્રી પ્રફુલ પાનસેરીયાએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મોટો નિર્ણય લીધો હતો. તેમણે 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોતાની સુરક્ષામાં રહેલી પોલીસ પાયલોટિંગ જીપમાં જ ઈજાગ્રસ્ત યુવકને બેસાડ્યો હતો અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે રવાના કર્યો હતો.
આ પણ વાંચો: સંસ્કારી નગરીથી સ્માર્ટ સિટી સુધીની વિકાસયાત્રા : જાણો કયા વિઝનરી મેયરે સંસ્કારી નગરીને બનાવી 'સ્માર્ટ સિટી'
મંત્રીએ જાતે ટ્રાફિક જામ હટાવવાની કામગીરી કરી
અકસ્માતને કારણે એન્થમ સર્કલ વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે પાયલોટિંગ જીપને નીકળવામાં મુશ્કેલી પડી શકે તેમ હતી. આ સ્થિતિમાં મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જાતે ઉભા રહીને ટ્રાફિક જામ હટાવવાની કામગીરી કરાવી હતી. તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે ઇજાગ્રસ્ત યુવકને લઈ જતી જીપ કોઈ પણ અવરોધ વગર વહેલી તકે હોસ્પિટલ પહોંચી જાય.
સ્થાનિકોએ માન્યો મંત્રીનો આભાર
સામાન્ય રીતે મંત્રીઓનો કાફલો પસાર થતો હોય ત્યારે રસ્તાઓ ખાલી કરાવવામાં આવતા હોય છે, પરંતુ અહીં મંત્રીએ પોતે રસ્તા પર ઉતરીને એક સામાન્ય નાગરિકનો જીવ બચાવવાની કામગીરી આરંભી હતી. મંત્રીની આ સમયસૂચકતા અને મદદ કરવાની ભાવના જોઈને સરથાણા વિસ્તારના સ્થાનિક લોકોએ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. મંત્રીના આ કાર્યની સમગ્ર સુરત શહેરમાં પ્રશંસા થઈ રહી છે.





