Junagadh News: છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં રખડતાં શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. ક્યારેક તો જીવલેણ હુમલો કરે છે, ત્યારે હાલમાં ફરીથી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મુંઢિયા રાવણી ગામે શ્વાન દ્વારા વૃદ્ધ મહિલા પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. લાભુબેન દેગામા નામની વૃદ્ધ મહિલા પર અચાનક શ્વાને હુમલો કરતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન મહિલાને શરીરના વિવિધ ભાગોમાં ઘા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.
ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં શ્વાનોના હુમલાના બનાવો વધતા લોકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોએ તંત્ર પાસે આવા શ્વાનો પર તાત્કાલિક નિયંત્રણ લેવા અને સુરક્ષા પગલાં લેવા માંગ કરી છે.






