Home Gujarat Gujarat Governments Big Decision Amid Rumors Of Petrol Diesel Shortag

ઇંધણ સંગ્રહખોરી રોકવા નવા નિયમો જાહેર : પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ઇંધણ સંગ્રહખોરી રોકવા નવા નિયમો જાહેર
Published by: Viral Patel
Last Updated: Mar 24, 2026, 02:55 PM IST

Gandhinagar News: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ચાલી રહેલી ચર્ચાઓ અને 'પેનિક બાયિંગ' (ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી) વચ્ચે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ઇંધણની કૃત્રિમ અછત ઊભી ન થાય અને સંગ્રહખોરી પર લગામ લગાવી શકાય તે માટે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક વિશેષ સુધારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ખેડૂતો અને ટેલિકોમ સેક્ટર માટે મોટી રાહત

નવા પરિપત્ર મુજબ, સરકારે વિવિધ ક્ષેત્રો માટે ઇંધણ મેળવવાની મર્યાદા નક્કી કરી છે જેથી જરૂરિયાતવાળા લોકોને મુશ્કેલી ન પડે. ખેતીકામ માટે ડીઝલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ખેડૂતો હવે ખેતીના સાધનો કે ટ્રેક્ટર સિવાય અલગથી બેરલમાં વધુમાં વધુ 200 લીટર સુધી ઇંધણ મેળવી શકશે. મોબાઈલ નેટવર્કની સેવાઓ ખોરવાય નહીં તે હેતુથી ટેલિકોમ કંપનીઓને તેમના મોબાઈલ ટાવરના જનરેટર માટે 1000 લીટર સુધી ડીઝલનો જથ્થો લેવાની મંજૂરી આપવામાં આવી છે.

સામાન્ય વાહનચાલકો માટે કડક નિયમ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય વાહનચાલકોને ખુલ્લા કેરબા કે બોટલોમાં પેટ્રોલ-ડીઝલ આપવામાં આવશે નહીં. વાહનચાલકોએ માત્ર તેમના વાહનની ટાંકીમાં જ ઇંધણ પુરાવવાનું રહેશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવાનો છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોએ સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓથી દોરવાઈને ગભરાવાની કે બિનજરૂરી લાઈનો લગાવવાની જરૂર નથી."

અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી

રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર હાલમાં કૃત્રિમ અછત ઊભી કરનારા તત્વો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા કોઈ વ્યક્તિ અફવા ફેલાવતા ઝડપાશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારે જનતાને અપીલ કરી છે કે તેઓ સંયમ જાળવે અને માત્ર જરૂર પૂરતું જ ઇંધણ ખરીદે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now