Home Gujarat Ahmedabad We Will Make Holi Of This Election Oriented Bill Mla Imrankhedawala

UCC બિલનો વિરોધ : "ચૂંટણીલક્ષી આ બિલની અમે હોળી કરીશું"- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

UCC બિલનો વિરોધ
Play Video
Published by: Viral Patel
Last Updated: Mar 24, 2026, 03:07 PM IST

Gandhinagar News: ગુજરાત વિધાનસભામાં આજે મુખ્યમંત્રી દ્વારા સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ બિલને લઈને વિપક્ષ અને ખાસ કરીને જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડાવાલાએ આ બિલને બંધારણીય અને ધાર્મિક અધિકારો પર તરાપ ગણાવી તેનો સખત વિરોધ નોંધાવ્યો છે.

ધર્મગુરુઓની બાદબાકી સામે વાંધો

ધારાસભ્ય ખેડાવાલાએ જણાવ્યું હતું કે, જ્યારે આ બિલ માટે કમિટીની રચના કરવામાં આવી હતી, ત્યારે પણ તેમણે લેખિતમાં અને મૌખિકમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "જે સમાજ માટે તમે આ બિલ લાવી રહ્યા છો, તે મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ કે વિદ્વાનોનો આ કમિટીમાં સમાવેશ કેમ કરવામાં આવ્યો નથી?" આ અંગે તેમણે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દિલ્હી ખાતે પણ રજૂઆતો કરી હોવાનું જણાવ્યું હતું.

ભેદભાવના આક્ષેપો

બિલની જોગવાઈઓ પર નિશાન સાધતા ખેડાવાલાએ કહ્યું કે, સરકારની નીતિ સ્પષ્ટ નથી. આદિવાસી સમાજમાં પણ બહુપત્નિત્વની પ્રથા અસ્તિત્વમાં હોવા છતાં, આ બિલમાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા છે. ખેડાવાલાના મતે આ બેવડા ધોરણો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મુસ્લિમ સમાજ પોતાની પરંપરા મુજબ શરીયત અને કુરાનના નિયમોનું પાલન કરવા સક્ષમ છે, તેમાં હસ્તક્ષેપની જરૂર નથી.

હલાલા પ્રથા અને ગૃહમાં ચર્ચાઓ

ગૃહમાં થયેલી ચર્ચાઓનો ઉલ્લેખ કરતા ધારાસભ્યએ કહ્યું કે, ગૃહમાં મુસ્લિમ પ્રણાલીઓ વિશે વાતો કરવામાં આવી અને દાવો કરાયો કે ગુજરાતમાં 'હલાલા' જેવી પ્રથાઓ થાય છે. આ બાબતે ખેડાવાલાએ સરકારને પડકાર ફેંકતા પૂછ્યું હતું કે, "જો ગુજરાતમાં આવી પ્રથાઓ થતી હોય, તો સરકાર તેની સામે નોંધાયેલા કેસોના આંકડા બતાવે." ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, આ બિલ માત્ર આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. આ જનતાના હિત માટે નહીં પણ રાજકીય ફાયદા માટેનો ખેલ છે."

આંદોલનની ચીમકી

પોતાના વિરોધને અંતિમ ઓપ આપતા ઇમરાન ખેડાવાલાએ જાહેરાત કરી છે કે તેઓ આ બિલનો સંપૂર્ણ બહિષ્કાર કરે છે. તેમણે ઉમેર્યું કે, તેઓ સમાજના વિવિધ આગેવાનો અને સંગઠનો સાથે મળીને આ બિલની નકલોની હોળી કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now