Home Gujarat Harsh Sanghvi Address On The Uniform Civil Code Gujarat 2026 Bill

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ : ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત-2026 બિલ પર હર્ષ સંઘવીનું સંબોધન

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ
Published by: Viral Patel
| Last Updated: Mar 24, 2026, 03:12 PM IST

Gandhinagar News: ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે. પવિત્ર ચૈત્રી નવરાત્રીના અવસરે, જ્યારે સમગ્ર દેશ નારી શક્તિની આરાધના કરી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર રાજ્યની લાખો માતાઓ, બહેનો અને દીકરીઓના સશક્તિકરણ માટે 'ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત, ૨૦૨૬' બિલ ગૃહમાં લાવ્યું છે. આ બિલ પરની ચર્ચામાં સહભાગી થતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અત્યંત તાર્કિક અને ભાવુક ઉદબોધન કર્યું હતું.

૧. નારી શક્તિનું સન્માન અને 'એક દેશ, એક કાયદો'

હર્ષ સંઘવીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું કે, "આ બિલ રાજ્યની મહિલા શક્તિના સન્માનનો એક ઐતિહાસિક નિર્ધાર છે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને 'વન નેશન, વન ટેક્સ' (GST), 'વન નેશન, વન રાશન કાર્ડ' અને 'વન નેશન, વન હેલ્થ કાર્ડ' જેવા અનેક એકીકૃત સુધારાઓ આપ્યા છે, તેવી જ રીતે હવે 'વન નેશન, વન સિવિલ લો' એટલે કે સમાન નાગરિક કાયદાનો સમય પાકી ગયો છે." તેમણે પ્રશ્ન કર્યો હતો કે, "જ્યારે દેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે 'ક્રિમિનલ લો' સમાન હોય, તો લગ્ન, છૂટાછેડા અને મિલકતના અધિકારોમાં દીકરીઓ સાથે ધર્મના આધારે ભેદભાવ કેમ?"

૨. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને બંધારણીય જોગવાઈઓ

બિલની જરૂરિયાત સમજાવતા તેમણે બંધારણના ઘડવૈયાઓને યાદ કર્યા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે રાજ્ય તમામ નાગરિકો માટે 'સમાન નાગરિક સંહિતા' લાગુ કરવાનો પ્રયાસ કરશે. આ બિલ આર્ટિકલ ૧૪ (સમાનતા), આર્ટિકલ ૧૫ (ભેદભાવ પર પ્રતિબંધ) અને આર્ટિકલ ૨૧ (ગરિમાપૂર્ણ જીવન) ના પાયા પર ટકેલું છે. ફ્રાન્સ, જર્મની, તુર્કીયે અને અમેરિકા જેવા પ્રગતિશીલ દેશોએ વર્ષો પહેલા જ સમાન નાગરિક કાયદો અપનાવી લીધો છે, જે રાષ્ટ્રીય એકતા માટે અનિવાર્ય છે.

૩. જનતાનો પ્રચંડ પ્રતિસાદ અને લોકશાહી અભિગમ

જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, આ બિલ માટે અંદાજે ૨૦ લાખથી વધુ સૂચનો પ્રાપ્ત થયા છે. ૮૧% લોકો લગ્નની સમાન જોગવાઈઓના પક્ષમાં છે. ૮૩% લોકો માને છે કે સ્ત્રી-પુરુષને મિલકતમાં સમાન અધિકાર મળવો જોઈએ. ૮૬% લોકો લગ્ન અને છૂટાછેડાની નોંધણી ફરજિયાત બનાવવાનું સમર્થન કરે છે. સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે દાયકાઓ સુધી 'અત્યારે સમય પાક્યો નથી' કહીને વોટબેંકની રાજનીતિ કરી, પરંતુ હવે ગુજરાતની જનતા વધુ રાહ જોવા તૈયાર નથી.

૪. આદિવાસી સમાજની પરંપરાઓનું રક્ષણ

એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સરકાર આદિવાસી સંસ્કૃતિની રક્ષક છે. બંધારણના આર્ટિકલ ૩૬૬(૨૫) હેઠળ આવતા તમામ અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયોને આ કાયદામાંથી સંપૂર્ણ મુક્તિ** આપવામાં આવી છે. UCC તેમના કોઈ પણ રીત-રિવાજ, લગ્ન કે વારસાની પ્રથાઓમાં દખલગીરી કરશે નહીં. હર્ષ સંઘવીએ તેમના પ્રવચનના અંતે શેર-ઓ-શાયરી દ્વારા મક્કમતા વ્યક્ત કરતા કહ્યું કે, મુશ્કેલીઓ હોવા છતાં ગુજરાત સરકાર ઇતિહાસ લખવા જઈ રહી છે. આ બિલ માત્ર કાયદો નથી, પણ સામાજિક સમરસતા અને ન્યાયનો દસ્તાવેજ છે.

દેશમાં બનેલ વાસ્તવિક કરુણ ઘટનાઓ, બિલમાં પ્રસ્તાવીત કલમ અને નામદાર કોર્ટના તારણ..

ગુજરાતની ધરતી હંમેશા પરિવર્તનની પુરોહિત રહી છે. આજે જ્યારે દેશમાં 'સમાન નાગરિક ધારા' (UCC) ની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત આ બિલ માત્ર કાયદો નથી, પણ વર્ષોથી અન્યાય સહન કરતી હજારો 'સાજેદાબાનુ', 'શાહબાનુ' અને 'શ્રદ્ધા વાલકર' જેવી દીકરીઓના આંસુ લૂછવાનો એક નમ્ર પ્રયાસ છે.

૧. બહુપત્નીત્વનો અંત અને એક પત્ની વ્રતનું પાલન (કલમ ૪-૧)

ભાવનગરની સાજેદાબાનુનો કિસ્સો આપણી આંખો ઉઘાડનારો છે. પતિ દ્વારા દહેજ માટે ત્રાસ અને પત્ની-બાળક હયાત હોવા છતાં બીજા નિકાહ કરી લેવા એ માનવતા વિરુદ્ધનો ગુનો છે. જ્યારે 'જાફર અબ્બાસ રસૂલ મોહમ્મદ મર્ચન્ટ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત' કેસમાં પતિએ અહંકાર સાથે કહ્યું કે "મારો પર્સનલ લો મને ચાર પત્નીની છૂટ આપે છે", ત્યારે ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કુરાનમાં પણ સમાન ન્યાય ન કરી શકનાર માટે માત્ર એક જ પત્ની (Monogamy) રાખવાની વાત છે. "બહુપત્નીત્વની પ્રથા સમાજની જાહેર નૈતિકતા માટે હાનિકારક છે."- કોઈ પણ ધર્મનો પુરુષ પત્ની હયાત હોય ત્યાં સુધી બીજા લગ્ન નહીં કરી શકે.

૨. છૂટાછેડાની ફરજિયાત નોંધણી અને સમાન અધિકાર (કલમ ૮, ૨૭, ૩૧ અને ૩૫)

૧૯૮૦ના દાયકાનો જોર્ડન દીએંગ્દેહ વિરુદ્ધ એસ.એસ. ચોપરા કેસ યાદ કરવા જેવો છે. એક ખ્રિસ્તી મહિલાને માત્ર 'ક્રૂરતા'ના આધારે છૂટાછેડા નહોતા મળતા, કારણ કે તે સમયનો કાયદો ભેદભાવભર્યો હતો. નવા બિલની કલમ ૩૧ અને ૩૫ મુજબ હવે છૂટાછેડા માટેના કારણો તમામ ધર્મો માટે સમાન રહેશે. અદાલતની પ્રક્રિયા સિવાયના (Extra-Judicial) કોઈ પણ રીતે મેળવેલા છૂટાછેડા માન્ય ગણાશે નહીં. કલમ ૮ મુજબ છૂટાછેડાની નોંધણી ફરજિયાત બનશે, જેથી કોઈ છેતરીને બીજા લગ્ન ન કરી શકે.

૩. ઓળખ છુપાવીને થતા લગ્ન સામે 'કાનૂની બ્રહ્માસ્ત્ર' (કલમ ૨૯ અને ૩૮-૧ F)

'સુનિલ' બનીને ફસાવનાર 'સલીમ' જેવા કિસ્સાઓ આજે વરવી વાસ્તવિકતા છે. અલ્હાબાદ હાઈકોર્ટે 'માયરા ઉર્ફ વૈષ્ણવી' કેસમાં નોંધ્યું હતું કે ઓળખ છુપાવીને લગ્ન કરવા એ ગંભીર ગુનો છે. જો ઓળખ છુપાવી હશે તો લગ્ન તત્કાળ રદબાતલ (Void) ગણાશે. કલમ ૩૮(૧) F: છેતરપિંડીથી લગ્ન કરનારને ૭ વર્ષની સખત કેદ અને દંડની જોગવાઈ છે.

૪. ભરણપોષણ અને 'નિકાહ હલાલા' જેવી પ્રથાઓનો અંત (કલમ ૩૬, ૩૯, ૪૦)

૬૨ વર્ષની ઉંમરે પાંચ બાળકો સાથે કાઢી મુકાયેલી શાહબાનુને ન્યાય અપાવવામાં તે સમયની રાજનીતિ આડે આવી હતી. પણ હવે ગુજરાતમાં કલમ ૩૯ અને ૪૦ પર્સનલ લોની સમયમર્યાદા (ઇદ્દત) જોયા વિના મહિલા આજીવન ભરણપોષણ માંગી શકશે. કલમ ૩૬ 'નિકાહ હલાલા' જેવી અમાનવીય પ્રથાનો અંત આવશે. પત્નીએ પોતાના પહેલા પતિ પાસે પાછા જવા માટે કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ બાંધવાની જરૂર નહીં રહે.

૫. મિલકતમાં દીકરીઓનો સમાન હક (પાર્ટ-૨, ચેપ્ટર-૧)

'વિનીતા શર્મા' કેસમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ દીકરીઓને સમાન હક આપ્યો, પણ અન્ય ધર્મની દીકરીઓનું શું? આ બિલ તમામ ધર્મની દીકરીઓને પિતાની મિલકતમાં ૧૦૦% સમાન હક આપે છે. દીકરી એ દીકરી છે, તેનો કોઈ ધર્મ તેના હક આડે નહીં આવે.

૬. લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન (કલમ ૩૮૪)

શ્રદ્ધા વાલકર જેવી ભયાનક ઘટનાઓ ફરી ન બને તે માટે 'લિવ-ઇન'નું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. આ રજિસ્ટ્રેશન દીકરીઓ માટે સુરક્ષા કવચ બનશે. જો સાથી છેતરીને ભાગી જાય અથવા અત્યાચાર કરે, તો કાયદા પાસે તેનો રેકોર્ડ હશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

UCC બિલનો વિરોધ: "ચૂંટણીલક્ષી આ બિલની અમે હોળી કરીશું"- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

UCC બિલનો વિરોધ
Play Video

ઇંધણ સંગ્રહખોરી રોકવા નવા નિયમો જાહેર: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ઇંધણ સંગ્રહખોરી રોકવા નવા નિયમો જાહેર

મણીનગરના સુમેલ-1 બિઝનેસ પાર્કમાં ભીષણ આગ: 10થી વધુ દુકાનો બળીને ખાખ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા

મણીનગરના સુમેલ-1 બિઝનેસ પાર્કમાં ભીષણ આગ
Play Video

ગુજરાતમાં ઈંધણનો પુરવઠો સુરક્ષિત: અફવાઓથી દૂર રહેવા રાજ્ય સરકારની અપીલ

ગુજરાતમાં ઈંધણનો પુરવઠો સુરક્ષિત