Gandhinagar: રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG) ના જથ્થા અંગે ફેલાયેલી અટકળો વચ્ચે આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે યોજાયેલી આ બેઠકમાં ઇંધણની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
પુરવઠો પૂરતો અને સ્થિતિ સામાન્ય
બેઠક બાદ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં હાલ LPG, PNG અને પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. રાજ્ય પાસે પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠા શૃંખલા (Supply Chain) સુચારુ રીતે કાર્યરત છે.
અફવાઓને કારણે વેચાણમાં ઉછાળો
સમીક્ષા દરમિયાન એવું જોવા મળ્યું હતું કે, અમુક વિસ્તારોમાં ઇંધણની અછત હોવાની ખોટી અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેને લીધે પેટ્રોલ પંપો પર વેચાણમાં અચાનક ઉછાળો આવ્યો હતો. જોકે, રાજ્ય સરકાર આ બાબતે સતર્ક છે અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં સમયસર પુનઃ પુરવઠો (Refilling) પહોંચાડવામાં આવી રહ્યો છે.
વહીવટીતંત્રને કડક સૂચનાઓ
નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે કલેક્ટરઓને નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવી છે. દરેક જિલ્લામાં આવશ્યક ઈંધણનો પુરવઠો અવિરતપણે જળવાઈ રહેવો જોઈએ. સ્થાનિક વહીવટીતંત્રે પુરવઠા પર સતત દેખરેખ રાખવી અને ઓઇલ કંપનીઓ સાથે સંકલન સાધવું. ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવનારા તત્વો પર નજર રાખવી.
નાગરિકોને ખાસ અપીલ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને નમ્ર વિનંતી છે કે અછત અંગેની કોઈપણ અફવાઓથી દૂર રહેવું અને ગભરાટમાં આવીને (Panic Buying) બિનજરૂરી ખરીદી ન કરવી."





