વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગામી 31 મેના રોજ ઉમેદવારીપત્ર ભરશે. ફોર્મ ભરતા પહેલા મેગા રોડ શો યોજવામાં આવશે. આ તકે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી સહિતના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે.
31 મે ના રોજ ગોપલ ઇટાલિયા ફોર્મ ભરશે
ગોપલ ઇટાલિયાએ વીડિયો માધ્યમથી જણાવ્યું હતું કે, અગામી 31 મે ના રોજ સવારે 9:30 વાગે વિસાવદરમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રામાં સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ સીએમ આતીશી અને ગુજરાત પ્રભારી ગોપાલ રાય હાજરી આપશે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત નેતાઓ હાજરી આપશે. ગોપલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિસાવદરના અને સમગ્ર ગુજરાતના તમામ લોકો આશીર્વાદ આપવા આવે તેવી તેમને અપીલ કરી હતી.
શું હતો વિવાદ?
વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીનો વિજય થયા બાદ આ બેઠક પર ઊભા રહેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ AAPના ધારાસભ્ય પર ચૂંટણીમાં ગેરરિતી કરી હોવાના આક્ષેપ કર્યા હતા અને હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરી હતી. હવે હાઇકોર્ટમાં અરજી કરનાર હર્ષદ રીબડીયાએ અરજી પરત ખેંચતા મામલો થાળે પડ્યો હતો.






