વિસાવદરમાં પેટા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું છે. અહીં માત્ર બે પક્ષો વચ્ચે નહીં પરંતુ ચાર પક્ષો વચ્ચે એડી ચોટીનું જોર લગાવવામાં આવશે. ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે અને કોંગ્રેસે પણ સ્પષ્ટ કર્યું છે કે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારશે. આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે જ્યારે શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ પોતાના ઉમેદવારની ઘોષણા કરી ચૂકી છે.
ગોપાલ ઇટાલીયા આજે રોડ શો સાથે ફોર્મ ભરશે
આમ આદમી પાર્ટી માટે વિસાવદર મહત્વપૂર્ણ માની શકાય તેમ છે કારણ કે પાછલી વિધાનસભા ચૂંટણીમાં અહીંથી આપનો ઉમેદવાર વિજેતા બન્યો હતો. આજ રોજ ગોપાલ ઇટાલીયા પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને આ પ્રસંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મંત્રી અતિશી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહેશે. આ સાથે વિસાવદરના માર્ગો પર ભવ્ય રોડ શો યોજવામાં આવશે.
રાજકીય ગરમાવો વધ્યો
ચુંટણી સામે આવતા પ્રદેશના રાજકીય તાપમાનમાં વધારો થયો છે. ચતુષ્કોણીય ટક્કરથી મતદારોની પસંદગી વધુ મુશ્કેલ બની શકે છે. દરેક પક્ષ પોતાના સ્તરે પ્રચારમાં ઝંપલાવી ચૂક્યો છે અને સ્થાનિક મુદ્દાઓ સાથે રાજકીય નેતાઓ પણ મેદાને ઉતરી રહ્યા છે.





