Home Gujarat Virtual Launch Of Procurement Of Gram And Raida At Support Price From Gandhinagar

ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદીનો વર્ચ્યૂઅલ શુભારંભ : ગાંધીનગરથી કૃષિમંત્રીએ કરાવ્યો પ્રારંભ

ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદીનો વર્ચ્યૂઅલ શુભારંભ
Published by: OBS Bureau
Last Updated: Apr 21, 2025, 04:09 PM IST

• ખેડૂતો પાસેથી રૂ. 1903 કરોડના મૂલ્યનો 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદી કરાશે

• રાયડાના ખેડૂતો પાસેથી રૂ. 767 કરોડના મૂલ્યનો 1.29 લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખરીદાશે

• ચણા માટે 3.36 લાખ અને રાયડા માટે 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ વેળાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ભારત સરકારની મંજૂરી મુજબ રૂ. 1903 કરોડના મૂલ્યનો કુલ 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો જથ્થો તેમજ રૂ. 767 કરોડના મૂલ્યનો કુલ 1.29 લાખ મેટ્રિક ટન રાયડાનો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવીને તેમની આવક વધારવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી આજથી શરુ કરાઈ છે, તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.

આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, ખેતી નિયામક પ્રકાશ રબારી સહિત કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ, વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ ખરીદ કેન્દ્રો ખાતેથી અધિકારીઓ અને ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે વર્ષ2024-25ની રવિ સીઝન દરમિયાન ચણા માટે રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1130 પ્રતિ મણ) તથા રાયડા પાક માટે રૂ. 5950 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1190 પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now