Home Sports Virat Kohli Ajitesh Argal Ipl 2026 Emotional Meet

એક સમયે વિરાટ સાથે જીત્યો હતો વર્લ્ડ કપ! : ટીમ ઈન્ડિયાને જીતાવનાર ખેલાડી આજે કરી રહ્યો છે અમ્પાયરિંગ...

Virat Kohli and Ajitesh Argal
Image Credit: IPL/BCCI
Published by: Aryan Shah
Last Updated: Apr 28, 2026, 02:27 PM IST

Virat Kohli : IPL 2026 ની સિઝનમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ માત્ર ક્રિકેટના રોમાંચ માટે જ નહીં, પણ એક અત્યંત ભાવુક પળ માટે યાદગાર બની ગઈ છે. જ્યારે મેદાન પર દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમની સામે અમ્પાયર તરીકે ઉભેલા શખ્સને જોઈને હજારો પ્રેક્ષકોની યાદો તાજી થઈ ગઈ. આ અમ્પાયર બીજું કોઈ નહીં પણ વર્ષ 2008 માં વિરાટ કોહલીની કેપ્ટનસી હેઠળ ભારતને વર્લ્ડ કપ જીતાડનાર સ્ટાર બોલર અજિતેશ અર્ગલ હતા. મેચ પૂરી થયા બાદ બંને જૂના મિત્રો જે રીતે એકબીજાને મળ્યા અને વાતો કરી, તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

મિત્રતાની શરૂઆત : 2008 અંડર-19 વર્લ્ડ કપનો એ અસલી હીરો

આ કહાનીના મૂળ 18 વર્ષ પાછળ જાય છે. વર્ષ 2008 માં જ્યારે મલેશિયામાં અંડર-19 વર્લ્ડ કપ રમાયો હતો, ત્યારે વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા. સાઉથ આફ્રિકા સામેની ફાઇનલ મેચ અત્યંત રોમાંચક બની હતી. તે મેચમાં અજિતેશ અર્ગલ ભારતના મુખ્ય હીરો સાબિત થયા હતા. તેમણે પોતાની ધારદાર બોલિંગથી આફ્રિકન બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા હતા અને માત્ર 7 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. આ શાનદાર પરફોર્મન્સ બદલ તેમને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા. આજે વિરાટ કોહલી ભલે ગ્લોબલ સ્ટાર હોય, પણ તે દિવસે અજિતેશના કારણે જ ભારતે ટ્રોફી જીતી હતી.

સંઘર્ષ અને નવી શરૂઆત : ક્રિકેટરથી અમ્પાયર સુધીની અનોખી સફર

વર્લ્ડ કપ જીત્યા બાદ દરેક ખેલાડીનું નસીબ એકસરખું હોતું નથી. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક રેકોર્ડ તોડ્યા, પણ અજિતેશ અર્ગલ માટે આગળનો રસ્તો મુશ્કેલ રહ્યો. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડાની ટીમ માટે 10 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, પરંતુ ધીમે-ધીમે તેઓ પ્રોફેશનલ ક્રિકેટથી દૂર થતાં ગયા. રમત પ્રત્યેના લગાવ અને આર્થિક સુરક્ષા માટે તેઓ સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા. જોકે, તેમના હૃદયમાં હજુ પણ ક્રિકેટ ધબકતું હતું. વર્ષ 2023 માં તેમણે સખત મહેનત કરીને BCCI ની અમ્પાયરિંગ પરીક્ષા પાસ કરી અને એક નવી ઇનિંગની શરૂઆત કરી.

IPL 2026 : એક જ મેદાન પર બે અલગ અલગ કિસ્મત

અજિતેશ અર્ગલે આ વર્ષે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચથી અમ્પાયર તરીકે પોતાનું IPL ડેબ્યૂ કર્યું હતું. પરંતુ અસલી રોમાંચ RCB અને દિલ્હીની મેચમાં જોવા મળ્યો. એક તરફ વિરાટ કોહલી હતા જેમણે આ મેચમાં IPL ઈતિહાસમાં 9,000 રન પૂરા કરવાનો અદભૂત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, તો બીજી તરફ તેમનો એ જ જૂનો સાથી અજિતેશ અમ્પાયરિંગ કરી રહ્યો હતો. 18 વર્ષ પહેલા જે બે યુવાનોએ સાથે મળીને ભારતનું તિરંગો લહેરાવ્યો હતો, આજે તેઓ મેદાન પર બે અલગ-અલગ ભૂમિકામાં હતા. આ દ્રશ્ય જોવું એ ચાહકો માટે પણ એક પ્રેરણાદાયી અનુભવ હતો કે સફળતાના માર્ગો ભલે અલગ હોય, પણ સમર્પણ હંમેશા ફળ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now