Home Gujarat Vip Treatment At The Police Station For Those Caught In A Hookah Drinking Party In Sanand

હુક્કા-દારુની પાર્ટીમાં ઝડપાયેલાઓની પોલીસ સ્ટેશનમાં VIP ટ્રીટમેન્ટ : પીવાનું ફાર્મ હાઉસમાં અને પેટ પોલીસ સ્ટેશનમાં ભરવાનું થયું!

હુક્કા-દારુની પાર્ટીમાં ઝડપાયેલાઓની પોલીસ સ્ટેશનમાં VIP ટ્રીટમેન્ટ
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2026, 04:20 AM IST

અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલ આખરે પોલીસ રેડમાં પલટાઈ ગઈ હતી. સાણંદ પોલીસે 4 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’ નામના ફાર્મ હાઉસમાં ચાલી રહેલી આ ભવ્ય મહેફિલ પર અચાનક દરોડો પાડ્યો હતો. આ મહેફિલ એક દંપતિની 25મી લગ્ન વાર્ષિકી (સિલ્વર જુબિલી)ના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ સહિત ડૉક્ટરો, બિલ્ડરો અને વેપારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહેફિલમાં દારૂ અને હુક્કાની ખુલ્લેઆમ મોજ ચાલી રહી હતી.

પીવાનું ફાર્મ હાઉસમાં અને પેટ પોલીસ સ્ટેશનમાં ભરવાનું થયું!

પોલીસે રેડ કરીને મહેફિલ બંધ કરાવી અને અંદાજે 81 જેટલા યુવક-યુવતીઓને અટકાયત કરીને સાણંદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ચર્ચા છે કે આમ પીવાનું ફાર્મ હાઉસમાં અને પેટ પોલીસ સ્ટેશનમાં ભરવાનું થયું હોય એવો ઘાટ સર્જાયો હતો. ફાર્મ હાઉસમાં રંગીન મહેફિલ માણ્યા બાદ તમામ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ગુનો નોંધવામાં આવ્યો હતો, જેના કારણે તેમની ઇજ્જતના કાંકરા થઈ ગયા હતા. જોકે, આ ઘટના દરમિયાન એક અનોખું અને ચર્ચાસ્પદ દૃશ્ય પણ જોવા મળ્યું હતું.

આરોપીઓ માટે ચા અને વેફરની વ્યવસ્થા

પોલીસ સ્ટેશનમાં આરોપીઓ માટે જાણે પિકનિક સ્પોટ જેવી વ્યવસ્થા કરવામાં આવી હોય તેમ, મોડી રાત્રે પોલીસ દ્વારા જ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દારૂના નશામાં રહેલા આરોપીઓ માટે ચા અને વેફર આપવામાં આવ્યા હતા. એક વ્યક્તિ તો હાથમાં વેફરના પડીકા લઈને પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો, જે પોલીસના કહેવાથી જ વેફર લઈને આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને એવી ચર્ચા ચાલી રહી છે કે મહેફિલ હાઈપ્રોફાઈલ લોકોની હોવાથી આરોપીઓને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી.

“પોલીસ સ્ટેશન પીનારાઓ માટે પિકનિક સ્પોટ બની ગયું”

આ સમગ્ર ઘટનાથી પોલીસની કાર્યવાહી અને આરોપીઓ સાથે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. દારૂની મહેફિલ પર કાયદેસર કાર્યવાહી તો થઈ, પરંતુ પોલીસ સ્ટેશનમાં જ આરોપીઓ માટે નાસ્તો અને સરભરાની વ્યવસ્થા થતાં “પોલીસ સ્ટેશન પીનારાઓ માટે પિકનિક સ્પોટ બની ગયું” એવી ચર્ચા પણ શહેરમાં જોર પકડી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની