Home Gujarat Video Of Wasim Attacking Police Van Goes Viral

પોલીસનો કોઈ ડર નહીં? : પોલીસ વાન પર હુમલો કરનાર વસીમનો વીડિયો વાયરલ

પોલીસનો કોઈ ડર નહીં?
Published by: OBS Bureau
Last Updated: May 22, 2025, 03:23 PM IST

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસની PCR વાન પર હુમલો કરનાર વસીમ નામના યુવકને ફતેગંજ પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક દિવસ અગાઉ મોડી રાત્રે નવાયાર્ડના અલ્ઝામાકાર ચોક પાસે કેટલાક અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. આ દરમિયાન, વસીમ નામના યુવકે પોલીસની પીસીઆર વાન પર હુમલો કરી તેના પાછળના બંને કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, આ ઘટનામાં વાનમાં હાજર મહિલા પોલીસકર્મી સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે વસીમ નામના યુવકે બેફામ બની પોલીસ વાન પર હુમલો કર્યો હતો. આ વીડિયો સામે આવતા જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી.



ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ બળ મંગાવીને આરોપી વસીમને દબોચી લીધો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વસીમની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ઘટના બાદ વિસ્તારમાં મોડી રાત સુધી ચાલુ રહેતી ખાણી-પીણીની લારીઓ બંધ કરવા માટે પણ જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે, જેથી આવા અસામાજિક તત્વોનો ત્રાસ અટકાવી શકાય.

પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. કાયદાનું પાલન કરાવતી પોલીસ પર જ હુમલો થવાની આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા કર્યા છે..

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now