Home Gujarat Vhistoric Verdict Of Amreli Court

અમરેલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! : ગુજરાતમાં પહેલી વખત NRI ને ફટાકરાઈ 7 વર્ષની સજા, DyCM એ કહ્યું- "કોઈપણ બચશે નહીં"

અમરેલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો!
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 11:08 AM IST

રાજ્યમાં અમરેલીની અદાલતે આપેલા એક ઐતિહાસિક ચુકાદાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. ગુજરાતમાં પહેલી વખત સાયબર ફ્રોડના કેસમાં નાઈજીરિયન મહિલા આરોપી સામે આરોપ સાબિત થતા અમરેલી કોર્ટએ તેને કડક સજા ફટકારી છે. અમરેલીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.આર. વકાલિયા દ્વારા ચર્ચાસ્પદ વેરોનીકા એન્ડ્રુ સાયબર ફ્રોડ કેસમાં આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, નાઈજીરિયન મહિલા આરોપી વેરોનીકા એન્ડ્રુએ ડિજિટલ માધ્યમો અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કુલ રૂ. 14,09,000ની માતબર રકમનું સાયબર ફ્રોડ આચર્યું હતું. આ મામલે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે અત્યંત સચોટ અને ટેકનિકલ આધારિત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મજબૂત ડિજિટલ પુરાવાઓ એકત્ર કરી સરકાર પક્ષે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી મહિલાની ધરપકડ હરિયાણાના ગુરુગ્રામથી કરવામાં આવી હતી.

સરકાર પક્ષે એ.પી.પી. જી.આર. ભાટકીયાએ કોર્ટમાં ડિજિટલ પુરાવા અને ટેકનોલોજી આધારિત અસરકારક દલીલો રજૂ કરી હતી, જેને આધારે અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો. કોર્ટએ IPC કલમ 420 હેઠળ 7 વર્ષની સાદી કેદ અને રૂ. 3000 દંડ, IPC કલમ 467 હેઠળ 2 વર્ષની કેદ, કલમ 468 અને 471 હેઠળ એક-એક વર્ષની કેદ તેમજ IT એક્ટની કલમ 66D હેઠળ 3 વર્ષની સાદી કેદ અને દંડની સજા ફટકારી છે.

આ ચુકાદા બાદ ગુજરાત સરકારના DyCM હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, “સાયબર ફ્રોડ કરનારાઓ માટે આ સ્પષ્ટ સંદેશ છે. ગુજરાત સાયબર ગુનાઓ સામે ઝીરો ટોલરન્સ રાખે છે.” તેમણે અમરેલી સાયબર ક્રાઈમ ટીમ, તપાસ અધિકારીઓ અને ન્યાયતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. DyCM એ વધુમાં કહ્યું, "નાગરિકોની મહેનતની કમાણી લૂંટનાર કોઈપણ બચશે નહીં."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now