Bharuch News : ભરૂચમાં સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે કાર્યક્રમમાં હાજરી–ગેરહાજરીને લઈને રાજકીય ટકરાવ સર્જાયો છે. રાજપીપળાના એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ “ચૈતરભાઈ કેમ હાજર નથી?” એવો સવાલ ઉઠાવ્યો હતો. તેના જવાબરૂપે ધારાસભ્ય ચૈતર વસાવાએ વીડિયો દ્વારા ગંભીર આક્ષેપો સાથે પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી.
''કોઈપણ નિવેદન કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ''
ચૈતર વસાવાએ જણાવ્યું કે, તે દિવસે તેમના ડેડીયાપાડા મતવિસ્તારમાં CVC કક્ષાનો વિજ્ઞાન મેળો નવરચના હાઈસ્કૂલમાં યોજાયો હતો, જેમાં તેઓ વ્યક્તિગત રીતે હાજર રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “મનસુખભાઈ પોતે પોતાના મતવિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હાજર ન હતા, તેથી તેઓએ કોઈપણ નિવેદન કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ.”
''પુરાવા અને હકીકતોની ખાતરી કરવી જોઈએ''
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે, ''નાંદોદ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ જિલ્લા પંચાયત પ્રમુખ હતા, વિશેષ અતિથિ તરીકે સાંસદ જશુભાઈ રાઠવા અને દર્શનાબેન દેશમુખ હાજર હતા. “તેથી સૌપ્રથમ તેઓએ એ લોકોની ગેરહાજરી અંગે પૂછવું જોઈએ, ના કે માત્ર મારી હાજરી અંગે સવાલો કરવા જોઈએ” ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર “સરકારી કાર્યક્રમોમાં રાજકીય ભાષણો કરવાની ટેવ” હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે કોઈપણ નિવેદન આપવા પહેલાં તેઓએ પુરાવા અને હકીકતોની ખાતરી કરવી જોઈએ. “મેં મારા મતવિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી, અને એ અંગે સૌ જાણે છે, તેમજ ધારાસભ્યે ચૈતર વસાવાએ કહ્યું હતું.






