ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વસતા સાગરખેડુ માછીમાર સમુદાય માટે આ વર્ષે માછીમારી સિઝનની શરૂઆત ખૂબ જ કપરા સંજોગોમાં થઈ છે. વેરાવળ બંદર પરથી માછીમારી માટે નીકળી રહેલી એક ફિશિંગ બોટ ખરાબ હવામાનના કારણે દરિયામાં ડૂબી ગઈ, જેમાં એક માછીમારનું દુખદ મોત થયું છે અને અન્ય એક માછીમાર હજુ પણ લાપતા છે. આ દુર્ઘટનાએ આખા સમુદાયમાં ચિંતાની લાગણી ફેલાવી છે. હજુ તો માછીમારી સિઝનનો પ્રારંભ થયો છે, પરંતુ ખરાબ હવામાનના કારણે માછીમારો દરિયામાં જવા માટે તૈયાર હોવા છતાં પણ ફિશિંગમાં જઈ શકતા નથી. જેથી તેમના રોજગાર અને આવક ઉપર સીધી અસર થઇ છે.
''માછીમારી વ્યવસાય સતત સંઘર્ષભર્યો બન્યો છે''
ભીડીયા માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ રમેશ ડાલકીનાએ જણાવ્યું કે, 'છેલ્લા પાંચ વર્ષથી, ખાસ કરીને કોરોના કાળ પછીથી, માછીમારી વ્યવસાય સતત સંઘર્ષભર્યો બન્યો છે. દરેક ફિશિંગ બોટને દરિયામાં મોકલતાં પહેલા ડીઝલ, રાશન અને બરફ જેવી જરૂરી વસ્તુઓ માટે લગભગ 5થી 7 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. આ રકમ મોટાભાગે લોન કે વ્યાજે લેવી પડે છે, જેનાથી મોટાભાગના માછીમારો દેવામાં તણાઈ જાય છે.
ફિશિંગ બોટને વીમા કવચ હેઠળ લાવવા માગ
આપત્તિના સમયે જો બોટ નષ્ટ થાય, તો માત્ર બોટ જ નહીં, પણ માછીમારની આખી આજીવિકા ખોરવાઈ જાય છે. આવી સ્થિતિમાં માછીમાર આગેવાન પરેશ કોટિયાએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે ફિશિંગ બોટને વીમા કવચ હેઠળ લાવવી જોઈએ, જેથી દુર્ઘટનાના સમયે તેમને નાણાંકીય સહાય મળી શકે અને જીવિકા ટકી રહી શકે.
મનોજ સોલંકીએ શું કહ્યું?
ભીડીયા કોળી સમાજના અગ્રણી મનોજ સોલંકીએ જણાવ્યું કે, ''નુકસાનીના કારણે અનેક માછીમારો છકડા, રિક્ષા ચલાવવા અને મજૂરી કરવા મજબૂર બન્યા છે. ઘણા માછીમારો અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે. માછીમાર સમુદાયની માગણી છે કે, જેમ જમીન પરના ખેડૂતોને સરકાર મદદ કરે છે, તેમ સાગરખેડુ માછીમારોને પણ સહાય પેકેજ આપવામાં આવે''.






