Home Gujarat Ahmedabad Gujarat Unseasonal Rain April Veraval Patan Banas Kantha

ગુજરાતમાં ભરઉનાળે વિજળીના કડાકા ભડાકા સાથે આભ ફાટ્યું! : અમદાવાદ સહિત આ 6 જિલ્લામાં કડાકા સાથે વરસાદ, 20 મિનિટમાં 1 ઈંચ, ખેડૂતોમાં ચિંતા

Gujarat Weather Forecast
Published by: Viral Patel
Last Updated: Apr 03, 2026, 01:49 PM IST

Gujarat Weather Forecast: ગુજરાતમાં એપ્રિલના શરૂઆતના દિવસોમાં સામાન્ય રીતે ગરમીનો પ્રકોપ વધતો જાય છે, પરંતુ આ વર્ષે હવામાનનું ચિત્ર થોડું જુદું જોવા મળી રહ્યું છે. 3 એપ્રિલના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ સહિત ગીર સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર અને મહેસાણા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડતાં લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાનમાં આવેલા ઓચિંતા પલટાએ સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે. ભરઉનાળે ત્રીજી વખત નોંધાયેલા કમોસમી વરસાદે (માવઠું) જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. આજે ૩ એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેનાથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે પરંતુ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.

વેરાવળમાં 20 મિનિટમાં જળબંબાકાર, વરસાદથી પ્રભાવિત મુખ્ય જિલ્લાઓ

સૌથી ગંભીર સ્થિતિ ગીર સોમનાથના વેરાવળમાં જોવા મળી હતી. અહીં માત્ર 15 થી 20 મિનિટમાં જ 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તોફાની પવન અને ગાજવીજ સાથે પડેલા આ વરસાદે સ્થાનિકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને મહેસાણા. સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ (વેરાવળ), દ્વારકા અને ભાવનગરમાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ : વીજળીના કડાકા સાથે આ 4 જિલ્લામાં કમોસમી વરસાદ, કેસર કેરી અને રવિ પાકને નુકસાનનો ખતરો

તોફાની પવન અને વરસાદે અનેક વિસ્તારોને ભીંજવ્યા

રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે અચાનક આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને થોડી જ વારમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં તો વરસાદ એટલો તેજ રહ્યો કે માત્ર 20 મિનિટમાં જ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો. અચાનક આવેલા વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને લોકો આશ્રય શોધતા જોવા મળ્યા હતા. પાટણ અને બનાસકાંઠામાં પણ વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું. બજારોમાં વેપારીઓ અને લોકો થોડા સમય માટે વરસાદથી બચવા દોડધામ કરતા જોવા મળ્યા હતા.

ખેડૂતોની માઠી: 'કેરી' અને 'ઉનાળુ પાક' પર સંકટ

આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક બચાવવા ખેડૂતોમાં ભારે ભાગદોડ જોવા મળી હતી. ભારે પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. ખેતરોમાં તૈયાર થયેલા બાજરી અને જીરૂ જેવા પાકને આ વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે. એક તરફ અસહ્ય ગરમીથી રાહત મળી છે, પણ તૈયાર પાક પર પાણી ફરી વળતા જગતનો તાત મુઝવણમાં મુકાયો છે."

આ પણ વાંચો: એક નહીં પણ બે-બે પશ્ચિમ વિક્ષેપ સક્રિય થશે : અંબાલાલ પટેલે કરી આગાહી, આ વિસ્તારોમાં ભૂક્કા બોલાવશે વરસાદ!

હવામાન વિભાગની આગાહી: હજુ પણ સંકટ યથાવત

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા ના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં પણ વાતાવરણ આવું જ રહેશે. 7 એપ્રિલની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી એકવાર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રી ની આસપાસ રહેવાની સંભાવના છે. હાલ તો માવઠાના કારણે માર્કેટયાર્ડોમાં વેપારીઓ અને ખેડૂતોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યભરમાં પલટાયેલા આ મિજાજે 'ઋતુચક્ર' ખોરવાયું હોવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે.

માર્કેટયાર્ડમાં ખેડૂતોની ભાગદોડ

અચાનક આવેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘણા વિસ્તારોમાં માર્કેટયાર્ડમાં પાક લઈને આવેલા ખેડૂતો વરસાદ શરૂ થતાં જ પાક ઢાંકવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને જીરૂ, બાજરી અને અન્ય ઉનાળુ પાક બજારમાં ખુલ્લા પડેલા હોવાથી ખેડૂતો તરત જ તાડપત્રી કે પ્લાસ્ટિકથી પાક ઢાંકવાનો પ્રયાસ કરતા હતા. કેટલાક સ્થળોએ વરસાદના કારણે પાક ભીંજાઈ જવાની ભીતિ પણ ઉભી થઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા થોડા દિવસોમાં વારંવાર પડી રહેલા માવઠાના કારણે પાકને નુકસાન થવાની શક્યતા વધી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now