VCE Employee CM Visit : ઇ-ગ્રામ યોજના હેઠળ કાર્યરત VCE કર્મચારીઓ આજે પોતાની વિવિધ માંગણીઓ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન આપવામાં આવે તેવી માંગ સાથે તેઓ સચિવાલય સુધી પહોંચ્યા હતા. કર્મચારીઓએ જણાવ્યું કે, 'રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કમિશન રકમ રૂપિયા 8માંથી વધારી રૂપિયા 20 કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નિર્ણયથી તેમની મૂળ સમસ્યાનો ઉકેલ આવતો નથી'.
VCE કર્મચારીઓમાં અસંતોષ
VCE કર્મચારીઓએ જણાવ્યું કે, 'આ મુદ્દે અગાઉ તેઓ મુખ્યમંત્રી, પંચાયત મંત્રી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. તે સમયે સરકાર દ્વારા માંગણીઓ અંગે બાહેધરી આપવામાં આવી હતી, છતાં હજુ સુધી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓમાં અસંતોષ છે'.
મુખ્ય ચાર માંગણીઓ
ઇ-ગ્રામ યોજના હેઠળ કામ કરતા કર્મચારીઓની મુખ્ય ચાર માંગણીઓ છે. પ્રથમ, કમિશન પોલીસી બંધ કરી લઘુત્તમ ફિક્સ વેતન આપવામાં આવે. બીજી કર્મચારીઓને નોકરીની સુરક્ષા (જોબ સિક્યોરિટી) આપવામાં આવે. ત્રીજી, સંપૂર્ણ આરોગ્ય વીમા કવચ પૂરૂં પાડવામાં આવે અને ચોથી, છૂટા કરાયેલા VCE કર્મચારીઓને ફરીથી નોકરી પર પરત લેવામાં આવે.
'સરકાર ફિક્સ વેતન અમલમાં મૂકે'
ગુજરાત પંચાયત કોમ્યુટર ઓપરેટર મંડળના પંકજ પરમારે જણાવ્યું કે, 'પરિવારનું યોગ્ય ભરણપોષણ થઈ શકે તે માટે સરકાર કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન અમલમાં મૂકે અને VCE કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓનું નિરાકરણ લાવે. આ બાબતે આજે ફરી એક વખત સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી છે'.





















