Home Gujarat Vande Mataram Is The Great Mantra Of Patriotism Dy Cm Harsh Sanghvi

Dy CM હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર : કહ્યું- "‘વંદે માતરમ્' રાષ્ટ્રભક્તિનો મહામંત્ર, કોંગ્રેસની તુષ્ટિકરણ નીતિને કારણે દેશના ભાગલાનું બીજ રોપાયું"

Dy CM હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 11:28 AM IST

Dy CM Harsh Sanghvi: ગુજરાત વિધાનસભામાં ‘વંદે માતરમ્’ની150મી વર્ષગાંઠની ઉજવણી અંગેના સરકારી સંકલ્પ પર ચર્ચા દરમિયાન Dy CM હર્ષ સંઘવીએ ભાવુકતાથી જણાવ્યું કે, ‘વંદે માતરમ્’ માત્ર એક ગીત નથી, પરંતુ ભારત માતાની ચરણવંદના અને રાષ્ટ્રભક્તિની આરાધના છે. આ અમર ગીતને ગાઈને ક્રાંતિવીરોએ ફાંસીના માંચડે ચઢીને દેશને આઝાદી અપાવી, પરંતુ આજે પણ કેટલાક રાજકીય પક્ષોને તેના સામે વાંધો છે, જે ખેદજનક છે.

સંસદમાં ‘વંદે માતરમ્’ના ગાનની પરંપરા

સંઘવીએ ભારપૂર્વક કહ્યું કે,1992માં ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોથી જ સંસદમાં ‘વંદે માતરમ્’ના ગાનની પરંપરા શરૂ થઈ. આ બતાવે છે કે ભાજપ માટે રાષ્ટ્રભક્તિ રાજનીતિ નહીં, પરંતુ સંસ્કાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 7 નવેમ્બર 2025થી શરૂ થયેલી આ 150 વર્ષની ઉજવણી દેશના સાંસ્કૃતિક જાગરણનું પ્રતીક છે.

તેમણે ગુજરાતના ગૌરવસભર ઇતિહાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, નવસારીની પારસી દીકરી મેડમ ભીખાઈજી કામાએ 1907માં જર્મનીના સ્ટુટગાર્ટમાં ‘વંદે માતરમ્’ અંકિત ધ્વજ લહેરાવીને વિદેશની ધરતી પર ભારતની શક્તિ દર્શાવી હતી.

મહર્ષિ અરવિંદ ઘોષે વડોદરામાં રહીને આ ગીતને ક્રાંતિનો મંત્ર બનાવ્યો, અને કચ્છના ભુજોડીમાં આવેલું ‘વંદે માતરમ્ મેમોરિયલ’ આજે પણ આઝાદીની યાદ અપાવે છે. કોંગ્રેસની ભૂતકાળની ભૂલો પર પ્રકાશ પાડતા સંઘવીએ કહ્યું કે, 1937માં મુસ્લિમ લીગના દબાણ હેઠળ કોંગ્રેસ અને નેહરુએ આ ગીતના ટુકડા કર્યા – માત્ર પ્રથમ બે કડવા ગાવાનો ઠરાવ કર્યો, જે તુષ્ટિકરણની પરાકાષ્ઠા હતી. આ વિભાજન જ દેશના ભાગલાનું મૂળ કારણ બન્યું. જો તે સમયે મક્કમતા બતાવી હોત તો અખંડ ભારત જળવાઈ રહ્યું હોત.

વિપક્ષ પર પ્રહાર

સરહદ પરના અનુભવો યાદ કરતા તેમણે કહ્યું કે, કચ્છની સરહદે જવાનો સાથે ‘વંદે માતરમ્’ ગવાય ત્યારે આકાશ ગુંજી ઉઠે છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું, “જેને પોતાના રાષ્ટ્રનું ગૌરવ નથી, તે જીવતો હોવા છતાં મૃત સમાન છે.”અંતમાં સંઘવીએ કહ્યું કે, ‘વંદે માતરમ્’ ભારતની ચેતના છે. જેઓ ભારત માતાનો આદર નથી કરી શકતા, તેમને કોઈ પવિત્ર સદનમાં બેસવાનો નૈતિક અધિકાર નથી. આ ઉજવણી ગુમનામ શહીદો અને દેશનાયકોને સાચી શ્રદ્ધાંજલિ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now