Vaibhav Suryavanshi : ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં દર વર્ષે અનેક પ્રતિભાઓ ઉભરી આવે છે, પરંતુ હાલમાં વૈભવ સૂર્યવંશી જે રીતે રમી રહ્યો છે, તે જોઈને આખું વિશ્વ આશ્ચર્યચકિત છે. માત્ર 15 વર્ષની નાની ઉંમરે તેને IPL જેવી વિશ્વની સૌથી મોટી લીગમાં પોતાની બેટિંગથી જે ધાક જમાવી છે, તેના કારણે તે આજે કોઈ પરિચયનો મોહતાજ નથી. ખાસ કરીને તેની સિક્સર મારવાની ક્ષમતાએ તેને ટુર્નામેન્ટનો સૌથી ખતરનાક બેટ્સમેન બનાવી દીધો છે.
બાંગ્લાદેશી દિગ્ગજ સાથેની વાતચીત અને 4 કલાકનું રહસ્ય
વૈભવની આ વિસ્ફોટક રમત પાછળ કઈ રણનીતિ કામ કરી રહી છે, તેનો ખુલાસો તાજેતરમાં પૂર્વ બાંગ્લાદેશી ક્રિકેટર આશિકુર રહેમાને કર્યો છે. રહેમાને જણાવ્યું કે, જ્યારે વૈભવની IPL ટીમમાં પસંદગી થઈ, ત્યારે તેમણે ફોન કરીને વૈભવને તેની તૈયારીઓ વિશે પૂછ્યું હતું. તે સમયે વૈભવે એક ચોંકાવનારું રહસ્ય ખોલ્યું હતું. તેણે જણાવ્યું કે તે 'સેન્ટર ઓફ એક્સેલન્સ' માં રોજ સતત 4 કલાક સુધી માત્ર અને માત્ર સિક્સર ફટકારવાની જ પ્રેક્ટિસ કરે છે. આ સખત પ્રેક્ટિસને કારણે જ મેચ દરમિયાન ગમે તેવા દિગ્ગજ બોલરો સામે છગ્ગા મારવા તેના માટે અત્યંત સ્વાભાવિક અને સરળ બની ગયું છે.
IPL 2026 માં સિક્સર કિંગ તરીકેનો ઉદય
ચાલુ IPL ટુર્નામેન્ટમાં વૈભવ સૂર્યવંશીનો આતંક જોવા મળી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા વૈભવે અત્યાર સુધી રમાયેલી 9 મેચોમાં જ 37 સિક્સર ફટકારી દીધી છે. આંકડાઓની દૃષ્ટિએ જોઈએ તો, ટુર્નામેન્ટની પ્રથમ 40 મેચોના અંતે તે સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓની લિસ્ટમાં પ્રથમ ક્રમે છે. તેને અભિષેક શર્મા જેવા આક્રમક બેટ્સમેનને પણ પાછળ છોડી દીધો છે, જે 28 સિક્સર સાથે બીજા ક્રમે છે.
વૈભવ સૂર્યવંશીની શાનદાર IPL કારકિર્દી
વૈભવના આંકડા તેની ક્ષમતાની સાક્ષી પૂરે છે. અત્યાર સુધીમાં તેને કુલ 16 IPL મેચ રમી છે, જેમાં 40.75 ની શાનદાર એવરેજથી 652 રન બનાવ્યા છે. સૌથી મહત્વની વાત તેનો સ્ટ્રાઇક રેટ છે, જે 224.83 નો છે, જે T20 ક્રિકેટમાં અસાધારણ માનવામાં આવે છે. તેના નામે 2 સેન્ચુરી અને 3 હાલફ-સેન્ચુરી નોંધાયેલી છે. આટલી નાની ઉંમરે 61 સિક્સર અને 52 ચોગ્ગા ફટકારીને તેને સાબિત કરી દીધું છે કે, તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે.





