U19 World Cup Final : હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહેલી U19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. તેને માત્ર 55 બોલમાં શાનદાર સેન્ચુરી ફટકારીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. વૈભવ હવે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સેન્ચુરી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેની આ તોફાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 8 ગગનચુંબી સિક્સનો સમાવેશ થાય છે.
ભારતનો ટોસ અને શરૂઆત
ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પીચ બેટિંગ માટે સાનુકૂળ હોવાથી ભારતે આક્રમક અભિગમ અપનાવ્યો. જોકે, શરૂઆતમાં ઓપનર આરોન જ્યોર્જ માત્ર 9 રન બનાવીને એલેક્સ ગ્રીનની બોલિંગમાં આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ વૈભવ અને આયુષની જોડીએ ઇંગ્લેન્ડના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી.
કેપ્ટન આયુષની ફિફ્ટી
ટીમ ઇન્ડિયાના કેપ્ટન આયુષ મ્હાત્રેએ પણ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા ટુર્નામેન્ટની પોતાની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી. તેને 50 બોલમાં હાફ-સેન્ચુરી પૂરી કરી હતી. આયુષ અને વૈભવ વચ્ચે 89 બોલમાં મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી, જેને ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. આયુષ 53 રન બનાવીને એલેક્સ ગ્રીનનો શિકાર બન્યો હતો.
પાવરપ્લેમાં આક્રમક રમત
ભારતે પહેલા 10 ઓવરના પાવરપ્લેમાં માત્ર 1 વિકેટ ગુમાવીને 79 રન ફટકારી દીધા હતા. આ દરમિયાન વૈભવે નવમી ઓવરમાં જેમ્સ મિન્ટોની બોલિંગમાં 1 છગ્ગો અને સતત ચોગ્ગા ફટકારીને 18 રન મેળવ્યા હતા. ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લેન્ડના સૌથી સફળ બોલર લુમ્સડેન સામે પણ આક્રમક રમત બતાવી તેની એક જ ઓવરમાં 15 રન લીધા હતા.
વૈભવની ઐતિહાસિક સિદ્ધિ
વૈભવ સૂર્યવંશીએ માત્ર 32 બોલમાં પોતાની હાફ-સેન્ચુરી પૂરી કરી હતી અને ત્યારબાદ ગિયર બદલીને માત્ર 55 બોલમાં સેન્ચુરી પૂરી કરી હતી. તે અંડર-19 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી ઝડપી સેન્ચુરી ફટકારનાર ખેલાડી બની ગયો છે. હાલમાં ભારતનો સ્કોર 22 ઓવરના અંતે 213/2 છે અને વૈભવ બેટિંગમાં નોટઆઉટ છે.




















