Home Gujarat Vadodara Youth Dies In Panigate Police Station Lockup Family Levels Serious Allegations

પાણીગેટ પોલીસ મથકના લોકઅપમાં આપઘાતથી ચકચાર : કસ્ટડીમાં રહેલા રમેશ વસાવાએ સ્વેટરના દોરા વડે ગળેફાંસો ખાધો

પાણીગેટ પોલીસ મથકના લોકઅપમાં આપઘાતથી ચકચાર
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 07:47 AM IST

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં કસ્ટડીમાં રહેલા એક આરોપીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. જીવન નગર વુડા વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા રમેશ છગનભાઈ વસાવા નામના શખ્સે પોલીસ લોકઅપની અંદર સ્વેટરના દોરા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, રમેશ વસાવાની પત્ની સાથે બોલાચાલી થયા બાદ માર મારવાના આક્ષેપ હેઠળ પાણીગેટ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આરોપીની અટકાયત બાદ તેને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન લોકઅપની અંદર જ તેણે આત્મઘાતી પગલું ભરી લેતા ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પાણીગેટ પોલીસ દ્વારા આ કેસમાં BNS કલમ 176 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીએ લોકઅપમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જોકે સમગ્ર મામલે કોઈપણ પ્રકારની બેદરકારી રહી છે કે કેમ તે મુદ્દે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પરિવારનો દાવો છે કે પોલીસ કસ્ટડી દરમિયાન રમેશ વસાવા સાથે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. આ આક્ષેપોને ધ્યાનમાં રાખીને તપાસ વધુ સંવેદનશીલ રીતે કરવામાં આવી રહી છે.

પાણીગેટ પોલીસ સ્ટેશનના PI અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, “આરોપીએ લોકઅપમાં આપઘાત કર્યો છે. ઘટનાસ્થળે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના ફૂટેજની તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટનાની FSL દ્વારા પણ તપાસ કરાવવામાં આવશે.” મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેના રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે.

પોલીસે જણાવ્યું છે કે, કાયદેસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરી સત્ય બહાર લાવવા માટે દરેક પાસું તપાસવામાં આવશે. હાલ આ બનાવ વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now