Home Gujarat Vadodara Vadodara Ward 8 Election Swejal Vyas Congress Vs Bjp Banner Politics Controversy

“નિયમો માત્ર વિરોધ પક્ષ માટે જ કેમ?” : વડોદરામાં તંત્રના પક્ષપાતી વલણ સામે સ્વેજલ વ્યાસ લાલઘૂમ, નિષ્પક્ષ ચૂંટણીની કરી માંગ

Vadodara Election Swejal Vyas Ward 8 Controversy Banner War
Published by: Nirali Gohil
Last Updated: Apr 22, 2026, 05:29 AM IST

Vadodara Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 8 માં ‘બેનર પોલિટિક્સ’ને લઈને કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર સ્વેજલ વ્યાસે શાસક પક્ષ ભાજપ પર વહીવટી તંત્રનો દુરુપયોગ કરી વિરોધ પક્ષના પ્રચારને જાણીજોઈને અવરોધવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સ્વેજલ વ્યાસનો દાવો છે કે તંત્ર દ્વારા માત્ર કોંગ્રેસના જ બેનરો અને હોર્ડિંગ્સ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે, જે લોકશાહીની ગરિમાને લજવનારી બાબત છે.

વોર્ડમાં પક્ષપાતી વર્તનના આક્ષેપોને કારણે વાતાવરણ તંગ બન્યું છે. સ્વેજલ વ્યાસે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષોને સમાન તક મળવી જોઈએ, પરંતુ અહીં તંત્ર ભાજપના ઈશારે કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ કોંગ્રેસના પ્રચારના માધ્યમો હટાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપના ગેરકાયદે હોર્ડિંગ્સ સામે આંખ આડા કાન કરવામાં આવે છે. આ વિવાદ હવે વડોદરાના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કોંગ્રેસે આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારી પણ કરી લીધી છે.

નિયમો માત્ર વિરોધ પક્ષ માટે? તંત્રની કામગીરી સામે સવાલ

સ્વેજલ વ્યાસના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વોર્ડ નંબર 8 ના વિવિધ વિસ્તારોમાંથી કોંગ્રેસના તમામ પ્રચાર બેનરો તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. સ્વેજલ વ્યાસે સવાલ ઉઠાવ્યો હતો કે, “શું આચારસંહિતા અને નિયમો માત્ર વિરોધ પક્ષના ઉમેદવારોને જ લાગુ પડે છે?” તેમણે આક્ષેપ કર્યો હતો કે અનેક વિસ્તારોમાં ભાજપના હોર્ડિંગ્સ હજુ પણ અકબંધ છે, જે તંત્રની ભેદભાવભરી નીતિ સ્પષ્ટ કરે છે.

આ પણ વાંચો: ઉનામાં જામ્યો કલાકારોનો મેળો : રાજલ બારોટના સમર્થનમાં જીગ્નેશ કવિરાજ મેદાનમાં, ગીતો ગાઈને ભાજપ માટે માંગ્યા મત

“જનતાના સમર્થનથી ભાજપમાં ફફડાટ”: સ્વેજલ વ્યાસ

પોતાના પ્રચારમાં અવરોધ ઊભા કરવા પાછળનું કારણ જણાવતા કોંગ્રેસ ઉમેદવારે કહ્યું કે, વોર્ડની જનતા જે રીતે પરિવર્તન ઈચ્છી રહી છે અને કોંગ્રેસને જે લોકસમર્થન મળી રહ્યું છે તેનાથી ભાજપના નેતાઓ ગભરાઈ ગયા છે. પોતાની હાર ભાળી ગયેલા ભાજપના નેતાઓ હવે સત્તાનો દુરુપયોગ કરી વિરોધીઓનો અવાજ દબાવવાની હલકી રાજનીતિ પર ઉતરી આવ્યા છે. જોકે, તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતા આ અન્યાયનો જવાબ બેલેટ પેપર દ્વારા આપશે.

ચૂંટણી આયોગમાં ફરિયાદ અને જનઆંદોલનની ચીમકી

આ વિવાદ માત્ર બેનરો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ હવે આ મુદ્દે જનરોષ પણ ફાટી નીકળ્યો છે. વોર્ડના રહીશોમાં “ન્યાય નહીં તો મત નહીં” ના બેનરો સાથે વિરોધ પ્રદર્શનની તૈયારીઓ થઈ રહી છે. સ્વેજલ વ્યાસે આ મામલે ચૂંટણી આયોગને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની અને તમામ પક્ષો માટે સમાન આચારસંહિતાનો અમલ કરાવવાની માંગ કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પક્ષપાત બંધ નહીં થાય તો આગામી દિવસોમાં કોંગ્રેસ જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે.

વોર્ડ નં. 8 માં રસાકસી વધી

ચૂંટણીના આરે જ વહીવટી તંત્રની આ કામગીરી વિવાદનું વંટોળ બનીને ત્રાટકી છે. વોર્ડ નંબર 8 ના મતદારો પણ આ ‘બેનર વોર’ ને બારીકાઈથી નિહાળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ પ્રહારો સામે ભાજપ અને વહીવટી તંત્ર શું સ્પષ્ટતા કરે છે. પરંતુ હાલમાં તો વડોદરાના આ વોર્ડમાં રાજકીય માહોલ ઉકળતા ચરુ જેવો બની ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now