વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે શહેરનો વોર્ડ નંબર 14 આજે અખાડામાં ફેરવાયો હતો. વાડી ટાવર વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ધમાચકડી અને ઘર્ષણ થતાં સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને બૂથ નંબર 15 પાસે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક વળાંક લઈ ગઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવ સાથે પણ હાથાપાઈ કરવામાં આવી હોવાના અહેવાલ સાંપડ્યા છે.
આ પણ વાંચો: મહુવામાં ચૂંટણીના માહોલ વચ્ચે લોહિયાળ ખેલ : એસ.ટી. સ્ટેન્ડ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા
નીલમ શ્રીવાસ્તવ સાથે ગેરવર્તણૂક
મળતી માહિતી મુજબ, વાઘોડિયાના દબંગ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી અને વોર્ડ નં. 14ના કોંગ્રેસના ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવ જ્યારે બૂથની મુલાકાતે હતા, ત્યારે ભાજપના કાર્યકરો સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધ્યો હતો કે બંને પક્ષોના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને હાથાપાઈ શરૂ થઈ ગઈ હતી. નીલમ શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો છે કે વિરોધ પક્ષના કાર્યકરોએ તેમની સાથે અશોભનીય વર્તન અને ખેંચતાણ કરી હતી.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો વાડી ટાવર અને અસરગ્રસ્ત બૂથ પર પહોંચી ગયો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને બંને પક્ષના ટોળાને વિખેરી નાખ્યા હતા. હાલમાં આ વિસ્તારમાં વધારાની પોલીસ કુમક તૈનાત કરી દેવામાં આવી છે જેથી શાંતિ જળવાઈ રહે.
આ પણ વાંચો: વડોદરામાં મતદાન મથક પર બાકાઝીકી! : ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે 'મોરે-મોરા'
રાજકીય ગરમાવો
ચૂંટણી ટાણે જ બનેલી આ ઘટનાએ વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. એક તરફ મધુ શ્રીવાસ્તવના સમર્થકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર ઉશ્કેરણીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ ઘર્ષણને પગલે મતદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો, જોકે પોલીસે ચુસ્ત સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલુ રખાવી હતી





