Home Gujarat Vadodara Sts Special Initiative On Holi Dhuleti

હોળી-ધુળેટી પર વડોદરા એસટીનો વિશેષ ઉપક્રમ : 325 વધારાની બસો દોડશે, હજારો મુસાફરો થશે લાભ

હોળી-ધુળેટી પર વડોદરા એસટીનો વિશેષ ઉપક્રમ
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2026, 09:30 AM IST

રંગોના પર્વ હોળી અને ધુળેટીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોતાના વતનથી દૂર વસતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. તહેવાર દરમિયાન વધતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી) દ્વારા વડોદરા વિભાગમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી વડોદરા એસટી ડેપોથી વધારાની 325 બસો દોડાવવામાં આવશે.

હોળી-ધુળેટી પર વડોદરા એસટીનો વિશેષ ઉપક્રમ

હોળી-ધુળેટીનો તહેવાર ખાસ કરીને આદિવાસી સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં રોજગાર માટે સ્થાયી થયેલા લોકો આ પર્વે પોતાના માદરે વતન પરત ફરતા હોય છે અને પરિવાર સાથે ધામધૂમથી ઉજવણી કરે છે. પરિણામે દર વર્ષે એસટી બસોમાં ભારે ભીડ જોવા મળે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગે અગાઉથી જ આયોજનબદ્ધ પગલાં લીધાં છે.

વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી

વડોદરા એસટી વિભાગની ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરે જણાવ્યું હતું કે, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર અને ડાકોર સહિતના વિસ્તારો માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવાર દરમિયાન મુસાફરોને સરળ અને સુગમ મુસાફરી મળી રહે તે માટે વધારાની ટ્રીપો પણ ગોઠવવામાં આવી છે.

વધુ બસો દોડાવવાની તૈયારી પણ રાખવામાં આવી

વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વધારાની બસો ચલાવવાથી મુસાફરોને આરામદાયક પ્રવાસની સુવિધા મળશે અને સાથે જ નિગમને વધારાની આવક પણ થશે. જો નિર્ધારિત દિવસોમાં મુસાફરોની સંખ્યા અનુમાન કરતા વધુ રહેશે તો જરૂરિયાત મુજબ વધુ બસો દોડાવવાની તૈયારી પણ રાખવામાં આવી છે. હોળી-ધુળેટીના પર્વે ઘરે જવાની આતુરતા ધરાવતા હજારો મુસાફરો માટે એસટી વિભાગનું આ આયોજન રાહતરૂપ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now