Home Gujarat Vadodara Shivratri Mahadev Temple

સંસ્કારીનગરી બની શિવમય : મહાશિવરાત્રિએ વડોદરા "હર હર મહાદેવ"ના નાદથી ગુંજ્યું

સંસ્કારીનગરી બની શિવમય
Published by: OBS Bureau
Last Updated: Feb 15, 2026, 12:11 PM IST

દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના મહાપર્વ મહાશિવરાત્રિએ વડોદરા જિલ્લો સંપૂર્ણ રીતે ભક્તિભાવમાં લીન થયો છે. વહેલી સવારથી જ શહેરના શિવાલયોમાં “બમ બમ ભોલે” અને “હર હર મહાદેવ”ના ગુંજતા જયઘોષ સાથે આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. ભક્તોએ લાંબી લાઈનોમાં ઊભા રહી શિવલિંગના દર્શન કર્યા અને દુધ, પાણી તથા બિલ્વપત્ર અર્પણ કરી મહાદેવની કૃપા મેળવવાની ભાવપૂર્વક પ્રાર્થના કરી.

મહાશિવરાત્રિને શિવભક્તો માટે વિશેષ મહત્ત્વ ધરાવતું પર્વ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે કરેલી શિવપૂજા અત્યંત પુણ્યદાયી હોય છે. આ કારણે શહેર-જિલ્લાના અનેક મંદિરોમાં ચાર પ્રહરની પૂજા, અભિષેક, શિવમહિમ્ન સ્તોત્ર પાઠ, ભજન-કીર્તન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. અનેક શ્રદ્ધાળુઓએ ઉપવાસ રાખી “ઓમ નમઃ શિવાય”નો જાપ કર્યો અને રાત્રિ જાગરણ પણ કર્યું હતું.

વડોદરાના લાલબાગ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. પરંપરાગત રીતે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી બપોરે શિવજી કી સવારીનું પ્રસ્થાન થયું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો. સાંજના સમયે સૂરસાગર તળાવ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ભવ્ય મહાઆરતી યોજાઈ, જેમાં શહેરભરના શ્રદ્ધાળુઓ હાજર રહ્યા.

નવનાથ પરંપરાના મંદિરોમાં રાતથી જ બાર પહોરની વિશેષ પૂજા શરૂ કરવામાં આવી હતી. કમાટીબાગ નજીક આવેલા કામનાથ મહાદેવ મંદિર ખાતે યજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવ્યું. શહેર અને જિલ્લાના અન્ય શિવાલયોમાં પણ વિશેષ પૂજા, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોથી ભક્તિમય વાતાવરણ સર્જાયું.

શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે મહાશિવરાત્રિના દિવસે મહાદેવના દર્શન કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે. સમગ્ર વડોદરા મહાશિવરાત્રિના પાવન અવસરે આસ્થા, શ્રદ્ધા અને આધ્યાત્મિક આનંદમાં ડૂબેલું જોવા મળ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now