Home Gujarat Vadodara Police Attack Ssg Hospital Lrd Jawan

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો : LRD જવાન સહિત બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત

વડોદરામાં નશામાં ધૂત પતિ-પત્ની દ્ધારા પોલીસ પર પથ્થરથી હુમલો
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 01:06 PM IST

વડોદરા શહેરમાં પોલીસ કર્મચારીઓની સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઊભા કરનાર ઘટના કારેલીબાગ વિસ્તારમાં સામે આવી છે. સંતોષી માતા મંદિર પાસે પોલીસ પર હુમલો થતાં એલઆરડી જવાન સહિત બે પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ડાયલ 112 જનરક્ષકને મળેલી વર્ધી બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કારેલીબાગ વિસ્તારમાં સંતોષી માતા મંદિર પાસે કેટલાક લોકો વચ્ચે ગડબડ હોવાની માહિતી મળતાં પોલીસ કાર્યવાહી માટે સ્થળ પર પહોંચી હતી. જોકે પોલીસ પહોંચતા જ કેટલાક ઈસમો સાથે વાદવિવાદ થયો અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

સ્થાનિક સ્ત્રોતો મુજબ ઘટનાક્રમ દરમિયાન પોલીસ અને કેટલાક ઈસમો વચ્ચે ધક્કામુક્કી તથા મારામારી થઈ હતી. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. હુમલામાં એલઆરડી જવાન દીપક ચૌહાણ અને જનરક્ષક ડ્રાઈવર પરેશ પરમાર ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં સામેલ પતિ-પત્ની નશાની હાલતમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બંનેએ પોલીસ સાથે ઉગ્ર વર્તન કરી હુમલો કર્યો હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હુમલાની ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસના વધુ દળને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સારવાર માટે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં સંડોવાયેલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ પર થયેલા હુમલાના બનાવને લઈને વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now