Home Gujarat Vadodara Vadodara Petrol Shortage Rumors Fake News

વડોદરામાં ઈંધણની અછતની અફવાએ મચાવી અફરાતફરી : ગોત્રીમાં કેરબા ભરાતા પંપને નોટિસ, પોલીસ મેદાને

વડોદરામાં ઈંધણની અછતની અફવાએ મચાવી અફરાતફરી
Published by: Chintan Chavda
Last Updated: Mar 24, 2026, 11:58 AM IST

શહેરમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી ઉડેલી અફવાએ જોર પકડતા વાહનચાલકોમાં ભારે ગભરાટ અને અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ અને ભાવવધારાની આશંકાને પગલે વડોદરાના ગોત્રી સહિતના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ વાહનોની કિલોમીટરો લાંબી લાઈનો દ્રશ્યમાન થઈ હતી.

કેરબામાં જોખમી રીતે ડીઝલ ભરતા પંપ સામે કાર્યવાહી

ગોત્રી વિસ્તારમાં ઓસીયા મોલ સામે આવેલા ભારત પેટ્રોલિયમના પંપ પર સ્થિતિ વધુ ગંભીર બની હતી. સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં લોકો પ્લાસ્ટિકના કેરબાઓમાં અત્યંત જોખમી રીતે ડીઝલ ભરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. રહેણાંક વિસ્તારોમાં આ પ્રકારે જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે, જે મામલે તંત્રએ લાલ આંખ કરી છે.

વડોદરા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, "કેરબામાં લૂઝ ડીઝલ આપવા બદલ સંબંધિત પંપને નોટિસ ફટકારવામાં આવી છે. જો કોઈ પણ પંપ લૂઝ ઈંધણ વેચતા પકડાશે તો પંપ સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે."

પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ: 'પેનિક ન થાઓ'

સ્થિતિને કાબૂમાં લેવા માટે વડોદરા શહેર પોલીસ પણ મેદાને આવી છે. પંપો પર થતી ભીડને રોકવા અને વ્યવસ્થા જાળવવા પોલીસે કમાન સંભાળી છે. પોલીસે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ (માઈક) દ્વારા લોકોને જાગૃત કરતા જણાવ્યું કે, આખા રાજ્યમાં કે શહેરમાં ક્યાંય પણ ઈંધણની અછત નથી. આપણી પાસે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા ખોટા સમાચાર અને અફવાઓ પર ધ્યાન ન આપવું.જ્યાં સુધી સરકાર સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી ડરવાની કોઈ જરૂર નથી.

સરકારી દાવાઓ વચ્ચે પણ લોકોમાં ગભરાટ

ગઈકાલની સરખામણીએ આજે લાઈનોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, છતાં લોકોમાં ફાળ છે કે ભાવ વધી જશે અથવા પુરવઠો બંધ થઈ જશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ત્રણેય સરકારી પેટ્રોલિયમ કંપનીઓના ડેપો ઈંધણથી ભરેલા છે, તેથી નાગરિકોએ ખોટી રીતે 'પેનિક બાઈંગ' કરીને પરેશાન થવાની જરૂર નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now