એક તરફ ચૂંટણીને લોકશાહીનો તહેવાર ગણાવી ઉજવણીની વાતો થઈ રહી છે, તો બીજી તરફ વડોદરામાં બેલેટ પેપરથી થતા મતદાનની શરૂઆતમાં જ તંત્રની તૈયારીઓ પર પ્રશ્નચિહ્ન ઉભો થયો છે. ખાસ કરીને ફરજ પરના કર્મચારીઓ માટે યોજાયેલા મતદાનમાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ સામે આવ્યો છે.
પોસ્ટલ બેલેટથી મતદાન
વડોદરા મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. આ વ્યવસ્થા અંતર્ગત વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. સવારથી જ પોલીસ જવાનો, હોમગાર્ડ અને અન્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં મતદાન માટે હાજર રહ્યાં હતા. બપોર સુધીમાં જ 1,000થી વધુ મતદાતાઓએ મતદાન કર્યું હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચનો મોટો બદલાવ! : પોસ્ટલ બેલેટ ખુલ્યા બાદ જ EVM વોટ કાઉન્ટિંગ થશે
મતદાન મથક પર વ્યવસ્થામાં ખામી
જ્યારે મતદાન માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા, ત્યારે મતદાન મથક પર વ્યવસ્થામાં અનેક ખામીઓ સામે આવી. મથક બહાર લાંબી કતારો લાગી હતી અને મતદાન માટે કર્મચારીઓને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડ્યું હતું. આ પરિસ્થિતિમાં લોકોએ કહ્યું કે તંત્રએ પૂરતી તૈયારી કરી ન હતી.
આકરા તાપમાં વ્યવસ્થાનો અભાવ
વડોદરામાં હાલ તાપમાન ઉંચું જઈ રહ્યું છે અને ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મતદાન મથક પર ઉભેલા કર્મચારીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ ન હતી. આ સાથે મતદારો જે જગ્યાએ લાઈનમાં ઉભા છે ત્યાં તેમને છાંયડો આવે તે પ્રકારની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
ઘણા કર્મચારીઓને ખુલ્લા આકાશ નીચે કાળઝાળ તડકામાં લાંબા સમય સુધી ઊભા રહેવું પડ્યું હતું. શેડ અથવા ટેન્ટ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે પરિસ્થિતિ વધુ કઠિન બની હતી.
કર્મચારીઓમાં અસંતોષ
મતદાન માટે આવેલા કેટલાક કર્મચારીઓએ નામ ન આપવાની શરતે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેમન્ કહ્યું કે, અમે ચૂંટણી દરમિયાન દિવસ-રાત ફરજ બજાવી શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવીએ છીએ પરંતુ અમારા માટે જ અહીં કોઈ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી.
આ નિવેદન તંત્રની કામગીરી પર સીધો સવાલ ઊભો કરે છે. ચૂંટણી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં, જ્યાં દરેક સુવિધાનું આયોજન જરૂરી હોય છે ત્યાં આ પ્રકારની બેદરકારી ચિંતાજનક છે. સ્થાનિક સ્તરે પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે કે જો તંત્ર પોતાના કર્મચારીઓ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરી શકતું નથી, તો સામાન્ય મતદાતાઓ માટે કેવી તૈયારી કરવામાં આવશે?





