Home Gujarat Surat Surat Election Harsh Mehta Bjp Protest Adajan Women Misbehavior Controversy

સુરતમાં ચૂંટણી પ્રચારમાં બબાલ : અડાજણમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાનો ઉગ્ર વિરોધ, મહિલાઓ સાથે ધક્કામુક્કી થતા માહોલ ગરમાયો

Surat Election
Published by: Nirali Gohil
Last Updated: Apr 22, 2026, 05:58 AM IST

Surat Election: સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે લોહિયાળ અને તણાવપૂર્ણ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના રાંદેર, ગોરાટ અને અડાજણ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાના પ્રચાર દરમિયાન સ્થાનિક મહિલાઓ અને રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પ્રચાર અર્થે નીકળેલી ટીમ અને સોસાયટીના રહીશો વચ્ચે વાતચીત એટલી હદે વણસી હતી કે મામલો ધક્કામુક્કી અને મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને ભાજપના પરંપરાગત ગઢમાં જ ઉમેદવારનો વિરોધ થતા પક્ષ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

ઘટનાની વિગતો મુજબ, જ્યારે હર્ષ મહેતા અને તેમની ટીમ અડાજણ-ગોરાટ વિસ્તારની એક સોસાયટીમાં પ્રચાર માટે પહોંચી ત્યારે રહીશોએ અગાઉથી જ પ્રચાર માટે પ્રવેશ ન આપવાના બેનરો લગાવ્યા હતા. તેમ છતાં પ્રચાર ટીમ સોસાયટીમાં પ્રવેશતા સ્થાનિક મહિલાઓએ તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન મહિલાઓ પર હાથ ઉઠાવવામાં આવ્યો હોવાના અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ઘટના સ્થળે મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

“ટિકિટ રદ કરો”: મહિલાઓનો ઉમેદવાર સામે આક્રોશ

વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી મહિલાઓએ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાના વર્તન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક રહીશ જયશ્રી બેને આક્ષેપ કર્યો હતો કે હર્ષ મહેતા એવું કહી રહ્યા છે કે તેમનું કોઈ કંઈ બગાડી શકશે નહીં. મહિલાઓએ માંગ કરી છે કે, આ પ્રકારનું વર્તન કરનાર ઉમેદવારની ટિકિટ પાર્ટીએ તાત્કાલિક રદ કરવી જોઈએ. મહિલાઓના મતે, જે ઉમેદવાર પ્રચાર દરમિયાન મહિલાઓનું સન્માન ન કરી શકતા હોય તે ચૂંટાયા પછી વિસ્તારનું શું ભલું કરશે?

આ પણ વાંચો: ગુજરાતમાં નવા બિલ્ડિંગ નિયમો : PG, પ્રી-સ્કૂલ અને મિનિપ્લેક્સ માટે મોટી રાહત, અમદાવાદ સહિતના મોટા શહેરોને લાભ

ગેરવર્તણૂક અને ધમકીના ગંભીર આક્ષેપો

સોસાયટીના રહીશ જેમીના પટેલે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરોએ ગેટ ખોલીને બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો અને મહિલાઓ પર હાથ ઉપાડ્યો હતો. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે પ્રચાર ટીમ દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો અને મહિલાઓના કપડાં ફાડી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક મહિલાઓમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.

અપક્ષ ઉમેદવારના પ્રહાર અને પોલીસની એન્ટ્રી

આ મામલે અપક્ષ ઉમેદવાર પૂર્વી માનસાતાએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, પાંચ વર્ષથી અશાંતધારા માટે લડત લડી રહ્યા હોવા છતાં કોઈ સાંભળતું નથી અને હવે પ્રચાર સમયે દાદાગીરી કરવામાં આવી રહી છે. સ્થિતિ વણસતા પોલીસ કાફલાને પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને પૂર્ણેશ મોદીની હાજરીમાં પણ લોકોએ “ગો બેક” ના સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપના ગઢમાં જ ગાબડું?

અડાજણ અને પાલનપુર જેવા વિસ્તારો ભાજપ માટે હંમેશા સુરક્ષિત માનવામાં આવતા હતા. જોકે, પૂર્ણેશ મોદી અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા જેવા દિગ્ગજ નેતાઓની હાજરી હોવા છતાં સ્થાનિકોનો આટલો ઉગ્ર વિરોધ ભાજપ માટે જોખમની ઘંટડી સમાન છે. અશાંતધારા મુદ્દે જનતામાં ફેલાયેલો રોષ હવે ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now