Gujarat Local Body Election Results Live Updates : વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. શહેરમાં સત્તાધારી પક્ષ ભાજપે પોતાનું પ્રભુત્વ જાળવી રાખતા ગત વર્ષ 2021ની જેમ આ વખતે પણ 69 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આ પરિણામો આંચકાજનક રહ્યા છે, જ્યાં તેમની બેઠકોની સંખ્યા 7 થી ઘટીને 6 પર પહોંચી ગઈ છે.
વોર્ડ નંબર 1 માં મોટો ઉલટફેર
આ ચૂંટણીનું સૌથી મોટું આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર વોર્ડ નંબર 1 રહ્યું છે, જે વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતો હતો. આ ગઢમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારે ગાબડું પાડવામાં સફળતા મેળવી છે.
દિગ્ગજ નેતાની હાર:
કોંગ્રેસના સીનિયર નેતા અને છેલ્લા બે ટર્મથી સતત જીતતા આવતા અમી રાવત ને આ વખતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રસાકસી ભરી જંગમાં તેઓ માત્ર 31 મતો થી હારી ગયા છે.
બળવાખોરનો વિજય:
કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા હરીશ પટેલ નો વોર્ડ 1 માં ભવ્ય વિજય થયો છે. હરીશ પટેલની જીતે કોંગ્રેસના આંતરિક સમીકરણો બગાડ્યા હોય તેમ જણાય છે.
ભાજપના ઉમેદવારોનું શાનદાર પ્રદર્શન
ભાજપ તરફથી કુંદન ટેલર અને ભર્સિંગ રાઠવા એ વોર્ડ 1 માં આક્રમક પ્રચાર અને જનસમર્થન દ્વારા અમી રાવત, નિકુલ પટેલ, સોના દેસાઈને કારમી હાર આપી વિજય વાવટો લહેરાવ્યો છે. આ વિજય સાથે ભાજપે સાબિત કરી દીધું છે કે તેઓ વિપક્ષના ગઢમાં પણ સિંધી મારવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો: રાજકોટ મનપામાં ભાજપનો દબદબો યથાવત્ : 72માંથી 52 બેઠકો સાથે ફરી સત્તા
કોંગ્રેસની સ્થિતિ
જોકે કોંગ્રેસ માટે આ વોર્ડમાં એકમાત્ર રાહતના સમાચાર પુષ્પા વાઘેલા ની જીત છે. તેમણે પોતાની બેઠક જાળવી રાખી છે, પરંતુ સમગ્ર રીતે જોતા કોંગ્રેસના સૂપડા સાફ થતા જોવા મળ્યા છે. 2021 માં 7 બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે 6 બેઠકો પર સમેટાઈ ગઈ છે. વડોદરાની જનતાએ ફરી એકવાર વિકાસના નામે ભાજપ પર ભરોસો મૂક્યો છે. વોર્ડ 1 ના પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે મતદારો હવે ચહેરા કરતા કામ અને સ્થાનિક સમીકરણોને વધુ મહત્વ આપી રહ્યા છે. અમી રાવત જેવો મોટો ચહેરો ગુમાવવો એ કોંગ્રેસ માટે આગામી સમયમાં ચિંતાનો વિષય બની રહેશે.





