Vadodara News: વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ ગરમીનો પારો વધતા આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રવિવારે વહેલી સવારે ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક અને ડિસ્પોઝલની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં દુકાનની ઉપરના માળે રહેતા બે વ્યક્તિઓ ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી, જોકે ફાયર વિભાગે સમયસૂચકતા વાપરી બંનેનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.
ઘટનાની વિગત
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ફતેપુરા કુંભારવાડા કાચવાલા હોલની સામે આવેલી 'સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ' નામની દુકાનમાં વહેલી સવારે આશરે 5:00 વાગ્યે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દુકાનમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો જથ્થો હોવાને કારણે જ્વાળાઓ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
બે વ્યક્તિઓનું દિલધડક રેસ્ક્યુ
આગ લાગી ત્યારે દુકાનની ઉપરના માળે બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ જીવના જોખમે પ્રથમ માળે ફસાયેલી બંને વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢી બચાવી લીધા હતા. આગ વધુ વિકરાળ બનતા મદદ માટે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારી જીજ્ઞેશ કહારે જણાવ્યું હતુંકે, "ફાયર કંટ્રોલ રૂમનો કોલ મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ ખૂબ જ ભીષણ હતી. પ્રાથમિકતાના ધોરણે ઉપર ફસાયેલા બે માણસોને સુરક્ષિત બચાવી લીધા છે. હાલ આગ કાબુમાં છે."
લાખો રૂપિયાનું નુકસાનઃ
દુકાન માલિક ભગવાનદાસ ચાંદવાનીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ દુકાન ચલાવે છે. વહેલી સવારે તેમના ભાઈએ ફોન કરીને આગની જાણ કરી હતી. આ દુર્ઘટનામાં દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેને કારણે વેપારીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે.
અઢી કલાકની જહેમત બાદ આગ કાબુમાં
બે ફાયર સ્ટેશનના ત્રણથી વધુ ફાયર ટેન્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જીઈબી (GEB) ની ટીમે પણ સ્થળ પર પહોંચી વીજ જોડાણ કાપીને વધુ દુર્ઘટના ટાળી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.





