Home Gujarat Vadodara Lcb Seizes Weapons From Hotel Room

વડોદરા LCBએ હોટલના રૂમમાંથી હથિયારો ઝડપ્યા! : 2 પિસ્તોલ, 1 બારબોર ગન અને 38 કારતૂસ, 3 આરોપીને દબોચ્યા

વડોદરા LCBએ હોટલના રૂમમાંથી હથિયારો ઝડપ્યા!
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 02:31 PM IST

વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગુનાહિત તત્વો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી એક હોટેલમાંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, કારણ કે આ ત્રણમાંથી બે વ્યક્તિઓ પાસે જીવલેણ હથિયારો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા નજીક વેમાલી ગામની સીમમાં આવેલી હોટેલ રોયલ પેલેસમાં શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હોટેલ પર રેડ પાડી હતી. હોટેલના ચોથા માળે આવેલા રૂમ નંબર 412માંથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

7,66,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

પોલીસ દ્વારા રૂમની તલાશી લેવામાં આવતા ત્યાંથી બે પિસ્ટલ, એક બારબોર ગન તેમજ મોટી સંખ્યામાં કાર્તૂસ મળી આવ્યા હતા. ઝડપાયેલા મુખ્ય આરોપી અમિતકુમાર શ્રીકાંતકુમાર હિન્નરિયા (ઉંમર 27 વર્ષ, વ્યવસાય વેપાર, રહેવાસી લહાર, ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી એક પિસ્ટલ, એક બારબોર ગન અને 17 પિસ્ટલ કાર્તૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા આરોપી રવિ બિરેન શર્મા (રહેવાસી મોહનપુરા, લહાર, ભીંડ, મધ્યપ્રદેશ) પાસેથી એક પિસ્ટલ, 17 કાર્તૂસ અને 4 ખાલી કાર્તૂસ મળી આવ્યા છે. ત્રીજા શંકાસ્પદની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 7,66,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

'બે બંદૂકના લાયસન્સ પણ મળી આવ્યા'

આ મામલે મંજુસર પોલીસ મથકના PI વી.બી. ચૌહાણે જણાવ્યું હતું કે, ઝડપાયેલા ઇસમો પાસેથી હથિયારો સાથે બે બંદૂકના લાયસન્સ પણ મળી આવ્યા છે. હાલ લાયસન્સની સાચાશ અને તેની માન્યતા અંગે વેરીફિકેશન પ્રક્રિયા ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં મંજુસર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ શંકાસ્પદ વ્યક્તિઓ કોણ છે, તેઓ મધ્યપ્રદેશથી વડોદરા શા માટે આવ્યા હતા અને હોટેલમાં રોકાઈને હથિયારો સાથે રહેવાનો તેમનો હેતુ શું હતો. આ હથિયારો ક્યાં ઉપયોગમાં લેવાના હતા કે કોઈ મોટા ગુનાની યોજના તો નહોતી તે તમામ બાબતો અંગે તપાસ તેજ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now